પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નામના ગામે તલાટી હતા, એટલે બધા છોકરાઓ બે મહિના ત્યાં રહેવા ગયેલા. એક વાર ત્યાં રામલીલા આવી તે પાંચછ દિવસ ચાલી. મહાદેવ, છોટુભાઈ વગેરે રેજ જેવા જતા. આ છોકરાઓ અંગ્રેજી નિશાળમાં ભણનારા એટલે ગામના કેટલાક કોળી લોકોએ દારૂતાડી સામે એમનાં ભાષણ ગોઠવ્યાં. મહાદેવ કહે: “હું તો પડદા પાછળ ઊભો રહીને ભાષણ કરું. બધાની સામે ઉભા રહીને બોલતાં તો મને શરમ આવે.” પછી એ પ્રમાણે મહાદેવનું ભાષણ થયું. છોટુભાઈ તો સામે ઊભા રહીને જ બોલેલા. લોકોને એ ભાષણો ગમેલાં.

એક વાર અડાજણના પટેલનો છોકરો કહે: “આ મહાદેવ કોલો કોલો (ગોરો ગોરો) છે, એને કોટ પાટલૂન અને ટોપો પહેરાવીએ તો ખરેખરા સાહેબ જેવા લાગે. વળી એને અંગ્રેજીએ ફક્કડ બોલતાં આવડે છે. ખજૂરામાં તાડીનો માંડવો છે ત્યાં જઈને એના પારસીને ગભરાવીએ. હું પટેલ થઈશ, (છોટુભાઈને) તમે કારકુન થજો અને મહાદેવ સાહેબ થાય.” પછી તો મહાદેવને શણગારીને સાહેબ બનાવ્યો, હાથમાં ફેન્સી સોટી આપી અને તાડીને માંડવે ગયા. સાહેબ આવે છે જાણી માંડવાવાળો ગભરાયો. પાણી ભેળવેલી તાડી હશે તે એણે ઢોળી નાખી. પટેલે સાહેબને માંડવો બતાવ્યો. સાહેબ તો ફડફડ અંગ્રેજીમાં બોલે અને છોટુભાઈ ગુજરાતીમાં બધું પૂછે. આમ પાંચેક મિનિટ ચાલ્યું. એટલામાં સાહેબને માથામાં ખજવાળ આવવાથી ટોપો ઉંચકવો પડ્યો. તેમાંથી ચોટલી બહાર નીકળી આવી. બધાને થયું કે ભેદ ઉઘાડો પડી જવાનો અને માંડવાવાળા

૨૦