પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કૉલેજની હૉસ્ટેલમાં

સને ૧૯૯૭ના જાન્યુઆરીમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. પિતાશ્રીને તે વખતે માસિક રૂા. ૪૦ પગાર મળતો એટલે ઘરને ખર્ચે તો મુંબઈમાં રહી ભણી શકાય એવી સ્થિતિ ન હતી. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં ફ્રી બોર્ડર તરીકે દાખલ કરવા અરજી કરેલી, તેમાં જગ્યા મળવાની પૂરી આશા હતી પણ જવાબ મળતાં દસેક દિવસની વાર થઈ. એટલો વખત એલ્ફિન્સ્ટન કૉલેજની હૉસ્ટેલમાં રહ્યા. હૉસ્ટેલના પહેલા દિવસનું વર્ણન કરતાં મહાદેવ કહેતા કે ત્યાંના છોકરાઓની સાહેબી વાતવાતમાં નોકરોને હુકમ કરવાની અને પૈસા ખરચી નાખવાની ટેવ, રસોડામાં વિવિધ વાનીઓ, બબ્બે શાક, દૂધપૂરીનાં વાળુ અને ખાવા કરતાં તો પાર વિનાનો વધારે બગાડે, એ બધું જોઈ હું તો હેબતાઈ જ ગયો. પહેલે દિવસે તો મોંમાં કોળિયો જ ન પેસે. આવા ખર્ચના પૈસાનો બોજો પિતાશ્રી ઉપર નંખાય જ કેમ ? પિતાશ્રી ઘેર શું ખાય છે અને કેવી રીતે રહે છે અને હું આવી મોજ ભોગવું ! જોકે પિતાશ્રી કોઈ વાતની ના પાડે તેવા નહોતા તેની પણ ખાતરી જ હતી. પણ પિતાશ્રી ના પાડે એવા નહોતા, જમીન વેચીને પણ ભણાવે એવા હતા, તેથી તો તેમની સ્થિતિના વિચાર ઊલટા વધારે આવતા હતા. પહેલી રાત આખી રોઈ રોઈ ને કાઢી. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગની આશા હતી તેથી જ હૈયું કઠણ કરી ત્યાં રોકાયા અને દસ દિવસ દુઃખે પાપે વિતાવ્યા.

૨૬