પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચાલતા અને પછી આખો દિવસ બાપુનું બધું કામ કરતા. બાપુજી વર્ધા મગનવાડીમાંથી સેવાગ્રામ રહેવા ગયા ત્યારે પહેલાં તો એમનો વિચાર ત્યાં એકલા જ રહેવાનો હતો. એટલે મહાદેવભાઈ મગનવાડીમાં જ રહેલા. ત્યાંથી લગભગ બારેક વાગ્યે સેવાગ્રામ સાડાપાંચ માઈલ જતા અને સાંજે પાછા આવતા. કોઈ કોઈ વાર કોઈ વિશેષ કામ હોય ત્યારે તો બે વાર અને તેય બપોરના તાપમાં જવાઆવવાનું થતું. તેવા દિવસોએ તો અગિયારને બદલે બાવીસ માઈલ થતા. એમની તબિયત લથડવામાં, બ્લડ પ્રેશર વગેરે થવામાં આ વસ્તુ કારણરૂપ બન્યાનો સંભવ છે. કારણ એમનું શરીર તાપ સહન કરી શકતું નહીં.

નાજુક છતાં ખડતલ

આટલું ચાલવા છતાં સવારે અને રાતે એમના લખવાવાંચવાના અને કાંતવાના કામમાં ન્યૂનતા આવતી નહીં. એમનો મુખ્ય વ્યાયામ જ ચાલવાનો હતો અને એ વ્યાયામ દ્વારા તેઓ પોતાનું શરીર બરાબર દુરસ્ત રાખતા. મહાદેવભાઈ દેખાવ ઉપરથી કોમળ અને નાજુક લાગતા. પણ બાપુજી સાથે કેટલીક વાર સતત પ્રવાસમાં હમાલીથી માંડીને લેખનપ્રવૃત્તિ અને બાપુજીના એલચી બનવાનું શરીર અને મન ઉપર ઠીક ઠીક તાણ પડે એવું કામ કરવા છતાં બીજા વધારે મજબૂત દેખાતા માણસો માંદા પડી જતા અને ભાંગી જતા ત્યારે તેઓ હમેશાં ટકી રહેતા. આમાં ચાલવાની ટેવ ઉપરાંત ખાવામાં સંયમ, હંમેશાં થોડું ઓછું ખાવાની ટેવ એ મુખ્ય કારણ હતાં.

૩૨