પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાપુ સાથેના પ્રવાસમાં દરેક સ્ટેશને એમના રસાલા માટે ઢગલા ખાવાનું આવે. તેની સામે રક્ષણ તરીકે દિવસમાં ત્રણ વાર ખાવાનો નિયમ તેમણે વરસોથી રાખ્યો હતો અને પાળ્યો હતો. ત્રણ વાર ખાવું એટલે તે ઉપરાંત ચા દૂધ તો નહીં જ પણ મોંમાં એલચીનો દાણો પણ ન મૂકવો અને ભૂલમાં મૂકી જવાય તો એને એક વેળ ગણી લેવાની. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં રોટલી ભાખરી બહુ સારાં થતાં નહીં અને ઘણી વાર છોકરાએ બદહજમીથી માંદા પડી જતા, પણ મહાદેવ કૉલેજમાં ચાર વરસમાં કદી માંદા નહોતા પડ્યા. તેનું મુખ્ય કારણ એમની ખૂબ ચાલવાની અને પેટ ઊણું રાખી ભાણા ઉપરથી ઊઠી જવાની ટેવ એ હતું. પેટ તણાય એટલું જમેલા મેં એમને કદી જોયા નથી. અને ગમે તેવું ભોજન હોય તોપણ ભોજનના મદથી શરીરમાં આળસ ભરાઈ હોય એવા પણ જોયા નથી. કોમળ અને નાજુક દેખાતા હોવા છતાં મજબૂત અને ખડતલ દેખાતા શરીરવાળા કરતાં પોતાના શરીર પાસેથી તેમણે ઘણું વધારે કામ હમેશાં લીધું છે.

રમતનો શેખ પોતાને ન હતો, છતાં એ કેળવણીનું બહુ ઉપયોગી અંગ છે અને જીવનવિકાસમાં તેનું ઘણું મહત્ત્વ છે એ તેઓ બરાબર સમજતા અને સ્વીકારતા. તેથી પોતાના દીકરા નારાયણને તથા બીજાં બાળકોને જુદી જુદી રમતો રમવાનું બહું પ્રોત્સાહન આપતા. કોઈ રમતમાં નારાયણ પ્રવીણતા બતાવે તો તેથી બહુ ખુશ થતા.

૩૩