પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 માંડવાથી પોતાની પ્રગતિ અટકી જાય છે અને નકામું અને હીન પ્રકારનું સાહિત્ય ઊભરાય છે, એવી ચેતવણી તેઓ ઊગતા લેખકોને વારંવાર આપતા.

વિવિધ વિષયોમાં રસ

વાચનનો શોખ તો તેમને પહેલેથી હતો. કૉલેજનાં તે તે વિષયનાં પાઠ્યપુસ્તકો ઉપરાંત એ વિષયને લગતું અને બીજું પણ ઘણું સાહિત્ય તેઓ વાંચતા. એમનો શોખનો વિષય બીજાને સાહિત્યનો લાગે કારણ ગુજરાતી, અંગ્રેજી અને સંસકૃત ઉપરાંત બંગાળી, હિંદી અને મરાઠી સાહિત્યનું તેમનું વાચન વિશાળ હતું. ભણતા ત્યારે પણ કાવ્યો, નાટકો અને નવલકથાઓ ઘણી વાંચતા. છતાં બી. એ.માં ઐચ્છિક વિષય તરીકે તેમણે ફિલસૂફી લીધી હતી. તેમાં પણ ઔચિત્ય હતું. કારણ એ વિષયમાં પણ તેમને ઊંડો રસ હતો. એક વખત તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે એ પ્રશ્નના જવાબમાં તેમણે કહેલું કે વ્યક્તિ તથા સમાજનાં જીવનના પ્રશ્નોની છણાવટ કરતા તમામ પ્રકારના સાહિત્યનો મને શોખ છે. છેક બાલ્યાવસ્થામાંથી તેમના ઉપર ધાર્મિક ભાવનાઓનું સિંચન થયેલું એ આપણે જોયું છે. તેને લીધે તેમની જન્મજાત ધાર્મિક વૃત્તિને પોષણ મળેલું. એમણે ઐચ્છિક વિષય ફિલસૂફીનો લીધેલો એ વિષે શ્રી વૈકુંઠભાઈ કહે છે : “આરંભથી જ ભાઈ મહાદેવમાં ધાર્મિક વૃત્તિ હતી. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી તે જાગ્રત થઈ એમ માનવા કારણ નથી. પણ તે વિષયના ઊંડા અભ્યાસને કારણે તેમની ધાર્મિક ભાવનાઓ દૃઢ થઈ

૩૯