પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




એક સંતપુરુષનો સમાગમ

કૉલેજમાં હતા તે વખતે ગોધરાના એક ભગતજીનો સમાગમ થયેલો, જે ભગતજીના અવસાન સુધી ચાલુ રહ્યો. તેમણે એમના જીવનને ભક્તિરસથી તરબોળ કરેલું એમ કહેવામાં અતિશયોક્તિ નથી. મહાદેવ મૅટ્રિક કલાસમાં હતા ત્યારે જ પિતાશ્રીની બદલી વલસાડ થયેલી એ કહેવાઈ ચૂકયું છે. વલસાડમાં ગોધરાના આ ભગતજી—પુરુષોત્તમ સેવકરામ—આવતા. તેઓ જુવાન હતા ત્યારે તેમને કોઈ અવધૂતની સેવા કરવાનું સૂઝ્યું અને તેની કૃપાથી તેમની દૃષ્ટિ ફરી ગઈ. ઘેલા જેવા ભટકવા લાગ્યા. અનેક તીર્થોમાં ખૂબ પર્યટન કર્યું અને ઘણા લાંબા તીર્થાટન પછી શાંત થઈ ઘેર રહી પોતાના બાપીકો કુંભારનો ધંધા કરવા લાગ્યા. નાનાં ઘાટીલાં વાસણો ઘડવાનો તેમનો ધંધો સારો ચાલતો. ધંધામાંથી બચતો બધો વખત તેઓ ભજનમાં ગાળતા. તેમનું ગુજરાતી ભાષાનું જ્ઞાન સાધારણ લખતાં વાંચતાં આવડે એટલું જ હતું. સંસ્કૃત તો જરાયે આવડતું નહીં. ગીતા કે ઉપનિષદો ગુજરાતીમાં પણ તેમણે વાંચેલાં નહીં. આપણા સંતોનાં ભજનો એ જ તેમનાં ગીતા અને ઉપનિષદો હતાં. પોતાના ધંધામાં અને ભજનની ધૂનમાં તેઓ દિવસ નિર્ગમન કરતા ત્યાં એમની પાસે જનારા ગોધરાના કોઈ માણસ મારફત ભૂલા પડેલાને રસ્તો

૪૧