પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહાદેવ અને હુંં એલએલ. બી. સને ૧૯૧૩માં સાથે પાસ થયેલા. તેમની સાથે મારી મૈત્રી પ્રથમ તો પરોક્ષ થયેલી. ઇન્ટર પાસ થયા પછી મારા એક બહુ ઘનિષ્ટ મિત્ર મનુભાઈ મહેતા સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણવા અમદાવાદથી મુંબઈ ગયા અને તે પણ ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં રહેતા. ત્યાં તેમને મહાદેવ સાથે ગાઢ મૈત્રી થઈ. હું તો અમદાવાદ ગુજરાત કૉલેજમાં જ હતો. મિત્રના મિત્ર તરીકે મહાદેવ સાથે મારે પત્રવ્યવહાર શરૂ થયો. અમે પ્રત્યક્ષ મળ્યા ૧૯૧૧ની આખરમાં બાદશાહ પંચમ જ્યૉર્જ હિંદ આવેલા અને તેમનું સ્વાગત કરવા એપૉલો બંદર ઉપર વિશાળ એમ્ફિથિએટર બાંધવામાં આવેલુ ત્યાં. એ થિયેટરમાં જવાનો મારે માટેનો પાસ પણ ભાઈ મહાદેવે જ આણી આપેલો. ત્યાર પછી હું એલએલ. બી.ના અભ્યાસ માટે મુંબઈ ગયો. એક વીમા કંપનીમાં નોકરી કરતો અને ઓરડી રાખી સાન્તાક્રૂઝ રહેતો. મહાદેવ પરેલ રહેતા. અમે અવારનવાર લૉ કૉલેજમાં અને ઘેર જતાં લોકલ ટ્રેનમાં મળતા. સેકન્ડ એલએલ. બી.ની છેલ્લી ટર્મમાં અમે ઘણા વિદ્યાર્થીઓ ગ્રાન્ટરોડ સ્ટેશન પાસે પાર્વતી મેન્શન જે તે વખતે નવું બંધાયેલું ત્યાં રહેવા ગયેલા. છેલી ટર્મમાં વાંચવા ખાતર મેં નોકરી છોડી દીધેલી, પણ ઓરડી ચાલુ રાખેલી અને એકલો જ રહેતો. મહાદેવે તો ઓરડી પણ કાઢી નાખી હતી. મનુભાઈ સહકુટુંબ પાર્વતી મેન્શનમાં રહેતા. એમને ત્યાં અમે બંને જમતા. આ વખતે મહાદેવ અને હું બહુ જ ગાઢ

૫૧