પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરિચયમાં આવ્યા અને અમારો સંબંધ સગાભાઈ કરતાં પણ અધિક થઈ ગયો.

કસોટીના બીજા પ્રસંગો

પોતાની બધી વાતો તેમણે બાપુજીને કહેલી તેમાં એલએલ. બી.ની પરીક્ષા વખતની આ કસોટીની વાત પણ કરી હશે. ભવિષ્યમાં આવા ચાર અનુભવ મહાદેવને થયેલા–બે હિંદી બહેનો સાથે અને બે યુરોપિયન બહેનો સાથે. હિંદી બહેનો સાથે કંઈક ઊંડા પાણીમાં ઊતરી ગયેલા, પણ શરીરની શુદ્ધિ જાળવી શકેલા. મનને લાગેલો મેલ પશ્ચાત્તાપના આંસુ વડે ધોઈ નાખવા એ શક્તિમાન થયા હતા એમ મારો આત્મા સાક્ષી પૂરે છે. યુરોપિયન બહેનો સાથેના પ્રસંગમાં તો તેઓ આરંભથી જ પૂરા જાગ્રત રહી શકેલા. આ ચારે બહેનોને તેમણે સન્માર્ગે વાળી છે. આ વિષે કિશોરલાલભાઈએ બહુ સુંદર ભાષામાં લખ્યું છે એટલે એમના જ શબ્દો ઉતારું છું :

“મહાદેવભાઈનાં સૌજન્ય, સ્ત્રીદાક્ષિણ્ય, સાહિત્ય–સંગીત–કલા વગેરેમાં નિપુણતા, કોમળ ભાવનાઓથી ભરેલો સ્નેહવશ થનારો સ્વભાવ, હૃષ્ટપુષ્ટ અને મનહર તારુણ્ય —આ બધાં કારણોથી એમને એકથી અધિક વાર બહુ નાજુક પરિસ્થિતિનો મુકાબલો કરવો પડેલો. સાધારણ રીતે સ્ત્રીઓ આક્રમણશીલ નથી હોતી પણ એમ લાગે છે કે ક્યારેક ક્યારેક જીવનથી અસંતુષ્ટ થયેલી, દુઃખી અને કોઈના હાથમાં ફસાઈ ચૂકેલી બહેનો સમભાવી અને સમર્થ પુરુષનો આશ્રય ખોળવામાં આક્રમણશીલ પણ થઈ જાય

૫૨