પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. મહાદેવભાઈને બે ચાર વાર આવો અનુભવ થયેલો. હનુમાન જેવા નૈષ્ઠિક બ્રહ્મચર્યનો તે દાવો કરી શકે તેમ નહોતું. પણ એમની વફાદારીની ભાવના હનુમાનથી ઓછી નહોતી અને વફાદારી કેવળ સ્વામી પ્રત્યે જ નહીં, પત્ની પ્રત્યે પણ એટલી જ તીવ્ર હતી. એ વફાદારીએ એમને બચેલા રાખ્યા, અને બહુ કુનેહથી એમણે એવી બહેનોને સીધા માર્ગ પર રાખી તથા ચઢવામાં મદદ કરી અને સાથે સાથે પોતાના ચારિત્ર્યની પણ રક્ષા કરી.

“હનુમાનના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું એમને સૌભાગ્ય ન હતું. પરંતુ પરસ્ત્રીના મોહથી બચવામાં સફળ થવાનું ચારિત્ર્ય એમણે સિદ્ધ કર્યું. એમાં એમને ઘણી મુસીબત, માનસિક ક્લેશ તથા પરિતાપનોયે અનુભવ કરવો પડેલો. એ અનુભવોથી એમની સ્વભાવસિદ્ધ નમ્રતામાં ઓર વધારો થયો.”

૫૩