પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બીજાને મદદ કરતા અથવા પોતાનું ખાનગી વાચન કરતા. તે વખતના ઓરિયેન્ટલ ટ્રાન્સ્લેટર મિ. શમસુદ્દીન કાદરીનો તેમણે ખાસ પ્રેમ સંપાદન કર્યો હતો અને આસી. ઓ. ટ્રા. મિ. સંજાણા, જેઓ પાછળથી ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં ‘થ્રુ ઇન્ડિયન આઈઝ’ના લેખક તરીકે જાણીતા થયા, તેઓ જોકે ઉંમરે એમના કરતાં થોડા મોટા હતા છતાં તેમના ખાસ મિત્ર બન્યા હતા. શિષ્ટ અને પ્રસિદ્ધ ગણાતા ગુજરાતી ગ્રંથોનું કડક વિવેચન અને અંગ્રેજી સાહિત્યનું અનુશીલન એ તેમની મૈત્રીનું બીજ હતું. બિલકુલ ભૂલ વિનાનું અંગ્રેજી લખવાના આગ્રહમાં બંને સમાનધર્મી હતા.

શ્રી મોહનલાલ પડ્યાનું ‘વનસ્પતિની દવાઓ’ એ પુસ્તક, જેમાં દવાઓ તરીકે બૉમ્બ બનાવવાના અનેક નુસખા આપવામાં આવ્યા હતા તે વિષે ‘પ્રતિબંધ મૂકવા લાયક’ એવો રિપોર્ટ કરવાનું મહાદેવના નસીબે આવ્યું હતું. મોહનલાલ પંડ્યાને સત્યાગ્રહની લડતના સૈનિક તરીકે આખું ગુજરાત ઓળખે છે. પણ બાપુજી હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં તેઓ ત્રાસવાદી પંથના હતા અને બૉમ્બ બનાવવા પ્રયત્નો પણ એમણે કરેલા. માંડલે જેલમાં લખેલું તિલક મહારાજનું ‘ગીતારહસ્ય’ એમની ઑફિસમાં તપાસણી (સેન્સોરશિપ) માટે આવેલ ત્યારે એ હસ્તલિખિત પ્રથમ જોવાનું ભાગ્ય પણ એમને સાંપડેલું.

કચ્છમાં ફરી આવ્યા

બીજી એલએલ. બી.ની પરીક્ષામાંથી ઊઠી ગયા પછી એ માંદા પડી ગયેલા. ટર્મ તો ભરવાની હતી નહીં

૫૫