પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





શુક્રતારક સમા

મોગલ ગાર્ડનના ગુલાબ, ઢાકાની શબનમ કે મોના લીસા જેવી કલાકૃતિઓની હરોબરી કરે એવી સંપૂર્ણતા લઈને દેવોને ય અદેખાઈ આવે એવી કામગીરી બજાવવા અવની પર ઊતરી આવેલા સ્વ. મહાદેવ દેસાઈ ગાંધીજીના જ્યેષ્ઠ શ્રેષ્ઠ પુત્ર સમા મંત્રી હતા. મિત્રો આગળ વિનોદમાં પોતાને ગાંધીજીના ‘હમાલ’ તરીકે, ને ક્યારેક ‘પીર બબરચી ભિસ્તી ખર’ તરીકે ય ઓળખાવવામાં ગૌરવ લેતા !

અને આમ છતાં સ્વ. મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે એમના પ્રત્યેના પોતાના ઊંડા માનઆદરને વ્યકત કરવા એમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા. એટલું જ નહિ પણ જે બધી દૈવી સંપત બંધાવીને દેવોનું કાર્ય કરવા કિરતારે એમને આપણી વચ્ચે મોકલેલા તે દૈવી ગુણોની લાંબી ટીપ પણ એમણે આપી.

આવી આ અપૂર્વ મહિમાવંત વિભૂતિ આપણા દેશની આઝાદીના આખરી જંગમાં ગાંધીજીની જોડે આગાખાન મહેલની જેલમાં પહોંચતાંવેંત જ્યારે અચાનક આથમી, ત્યારે દેશપરદેશનાં હજારો માનવીઓએ પાછળથી ગાંધીજીની હત્યા સાંભળીને અનુભવેલો તેવો જ કંઈક આંચકો અનુભવેલો.