પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એમની નનામી ચોપડી વિષે મહાદેવભાઈ એ જ રિપોર્ટ કરેલો એ કહેવાઈ ગયું છે. તેઓ વડોદરા રાજ્યના ડેરી સુપરિન્ટેન્ડેન્ટ હતા. સને ૧૯૧૨માં હિંદ સરકારની ગાયકવાડ ઉપર ખફામરજી થયેલી ત્યારે પંડ્યાજીને વડોદરા રાજ્યની નોકરીમાંથી રજા આપવાની તેણે ફરજ પાડેલી. પછી રાજ્યદ્રોહના ગુનામાં સંડોવવા ભારે પ્રયત્નો પોલીસે કરેલા. એકાદ વરસ તો પોલીસને પત્તો ન લાગે એ રીતે પંડ્યાજી છૂપા રહ્યા પણ પછી ખુલ્લા રહેવા લાગ્યા. સરકારને તેમની સામે કશો પુરાવો તો ન મળ્યો પણ તેમની પાછળ સી. આઈ. ડી.ની ચોકી રાખીને તેમની ખૂબ કનડગત શરૂ કરી. સી. આઈ. ડી.ને થાપ આપીને એક જગાએથી બીજી જગાએ ચાલ્યા જવામાં તે વખતે પરાક્રમ ગણાતું એટલે પંડ્યાજી સી. આઈ. ડી.વાળાને પણ ઓછા હેરાન કરતા નહીં. પંડ્યાજી અને હું એક જ ગામના અને અમારો કૌટુમ્બિક સંબંધ ગાઢ હતો. હું વકીલ થયો એટલે પંડ્યાજી મને કહે કે મારું આ સી. આઈ. ડી.નું લફરું તું કઢાવે ત્યારે ખરો. અમે વિચાર કરી મુંબઇના ગવર્નરને અરજી કરવાનો નિર્ણય કર્યો. એટલામાં મહાદેવ અમદાવાદ આવ્યા એટલે આ અરજી તેમની પાસે જ ઘડાવી. આ એમનું વકીલાતનું બીજું કામ. કહેવાની જરૂર નથી કે આ અરજીનું તો કશું પરિણામ ન આવ્યું. પણ બાપુજી અમદાવાદ આવ્યા અને તેમને પંડ્યાજીએ પોતાની કહાણી સંભળાવી ત્યારે બાપુજીએ તેમને સલાહ આપી કે તમે સી. આઈ. ડી.ને જ ભૂલી જાઓ. તમારી હિલચાલ અને પ્રવૃત્તિઓ બધી ખુલ્લેખુલ્લી કરો, એ તમને પૂછે તો

૫૯