પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એને તમારી અવરજવરની બધી ખરી વિગત આપો, એટલે એને કશી બાતમી મેળવવાપણું રહેશે જ નહીં. તેમ છતાં તમને હેરાનગતિ લાગતી હોય તો અહીં આશ્રમમાં મારી પાસે આવીને બેસી જાઓ.

‘ચિત્રાંગદા’નું ભાષાંતર

મહાદેવભાઈ અમદાવાદમાં રહ્યા તે દરમ્યાન અમે બેએ મળીને રવીન્દ્રનાથ ઠાકુરની ‘ચિત્રાંગદા’ એ નાટ્યકૃતિનું ભાષાન્તર કર્યું. તે વખતે રવીન્દ્રનાથની તમામ બંગાળી કૃતિઓ ગુજરાતીમાં ઉતારવાનો મનોરથ અમે ઘડેલો. ‘નૌકા ડૂબી’નું ભાષાન્તર કરવાનું નક્કી કરી તેના પાનાં પણ વહેંચી લીધેલાં પણ અમારી પ્રવૃત્તિનાં વહેણ બીજી દિશામાં વળ્યાં અને મનોરથ મનમાં જ રહી ગયો. તેના યત્‌કિંચિત ફળરૂપે ‘વિદાય અભિશાપ’ અને ‘પ્રાચીન સાહિત્ય’ એ બેનાં ભાષાન્તરો અમે કર્યા.

૬૦