પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લઈએ. શ્રી જમનાદાસ દ્વારકાદાસ તે વખતે મુંબઈમાં એક આગેવાન નેતા ગણાતા હતા. તેમણે મહાદેવને પોતાના સેક્રેટરી તરીકે રહેવાનો આગ્રહ કરવા માંડ્યો. વૈકુંઠભાઈ તો એમને છોડવા તૈયાર જ નહોતા. એમણે કહ્યું કે, “તમે ભલે ઈન્સ્પેક્ટર તરીકે કામ ન કરો, પણ હું તમને અમારી બૅન્કની હૈદરાબાદ (દખ્ખણ) શાખાના મૅનેજરની જગ્યા અપાવવા તજવીશ કરીશ.” હમણાં જ આપણે જોઇશું કે આ એકેમાં મહાદેવનું ચિત્ત ચોંટતું નહોતું. એમનું ભાવિ એમને બાપુજી પાસે ખેંચી રહ્યું હતું. છતાં શ્રી જમનાદાસ દ્વારકાદાસના સેક્રેટરી તેઓ પંદર દિવસ થયા. શ્રી જમનાદાસ ભરૂચ જિલ્લા રાજકીય પરિષદના પ્રમુખ થયા હતા. તેનું ભાષણ મહાદેવે તૈયાર કરી આપ્યું, એ એક જ કામ તેમના સેક્રેટરી તરીકે તેમણે કરેલું.

૬૭