પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ અરસામાં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં એક જાહેર સભામાં બાપુજી ભાષણ કરવા આવેલા. ત્યાંથી બાપુજી આશ્રમમાં પાછા જતા હતા તેમની પાછળ પાછળ અમે ગયા. તેમની તેજ ચાલ એટલે લગભગ દોડીને અમે તેમને એલિસબ્રિજ ઉપર પકડી પાડ્યા અને અમારા કાગળની વાત કરી. તેમણે કહ્યું કે, “હા, બે જણની સહીવાળો એક કાગળ આવ્યો છે ખરો; એ બે તમે જ કે ? હું તમને બોલાવવાનો જ હતો. બીજા પ્રાંતોમાંથી તો ઘણા અને સારા સારા કાગળ આવ્યા છે. સર ગુરુદાસ બૅનરજીનો કાગળ તો ઘણો સારો છે. ગુજરાતમાંથી તો થોડા જ કાગળ આવ્યા છે. તેમાં તમારા મને ઠીક લાગ્યા છે, તમને હું જરૂર વખત આપીશ. અત્યારે જ જો તમને વખત હોય તો ચાલો મારી સાથે આશ્રમમાં, આપણે વાત કરીશું.”

પ્રથમ દીક્ષા

અમે તો રાજી થઈને તેમની સાથે ચાલવા માંડ્યું. બાપુજીએ અમને પૂછ્યું, “શું કરો છો ?” “વકીલાત,” એ જવાબ આપ્યો. એટલે પૂછ્યું, “તમારી પાસે છેલ્લી ‘ઇંડિયન ઈયર બુક’ છે ? મારે તેમાંથી થોડું જોઈ લેવું છે.” મેં કહ્યું, “મારી પાસે ગયા વરસની છે. પરંતુ છેલ્લી મેળવીને આપને મોકલી આપીશ.” એટલે કહે, “એવા કેવા વકીલ છો ? હું જ્યારે હજામત કરતો ત્યારે બધો સાજ છેલ્લામાં છેલ્લી ઢબનો રાખતો.”

આશ્રમમાં પહોંચ્યા પછી અમારો કાગળ કાઢ્યો. તેમાંથી વાંચતા ગયા અને વિવેચન કરતા ગયા. લગભગ

૬૯