પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાષા પ્રત્યે બેદરકાર રહી કેટલા અપરાધી બન્યા છે તેના પર વિવેચન ચાલ્યું. ગુજરાતી ભાષાની ઉપાસના કરવાની આ બીજી દીક્ષા અમને મળી. અને અમે બાપુજીના પ્રશંસક બન્યા. પણ સ્વ○ મોહનલાલ પંડ્યા અને સ્વ○ દયાળજીભાઈ તો ગાંધીઘેલા હતા એમ કહીએ તો ચાલે. પંડ્યાજી મારા અને દયાળજીભાઈ મહાદેવના અમુક રીતે મુરબ્બી હતા. અમને બંનેને બાપુજી પ્રત્યે વધારે ખેંચવામાં એ બે મુરબ્બીઓનો પણ ફાળો હતો એ મારે કબૂલ કરવું જોઈએ.

પછી તો મહાદેવભાઈ સેન્ટ્રલ કોઓપરેટિવ બૅન્ક તરફથી સહકારી મંડળીઓના ઈન્સપેક્ટર બન્યા. એમના પિતાશ્રી નિવૃત્ત થયા એટલે મહાદેવનું અમદાવાદ આવવાનું ઓછું થવા માંડ્યું. જોકે હું ઘણી વાર આશ્રમમાં જતો, અને મહાદેવ જ્યારે અમદાવાદ આવતો ત્યારે અમે બન્ને જતા. તે અરસામાં મહાદેવભાઈના એક નાનો ભાઈ ઠાકોર ગુજરી ગયો. તેના સ્મરણમાં પોતાની નવી નોકરીમાંથી બચાવેલા રૂા. ૫૦૦ મહાદેવે બાપુજીને અર્પણ કર્યા.

૭૨