પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દિવસોમાં તમારું ઝવેર મેં જોઈ લીધું છે. આ બે વર્ષ થયાં હું જેવા જુવાનની શોધમાં ફરતો હતો તે મને મળી રહ્યો છે. તમે માનશો ? જેને મારું કામકાજ કોઈ દહાડો સોંપી દઈ હું નિરાંતે બેસું, જેને હું સુખે લટકી પડી શકું એવો માણસ મારે જોઈતો હતો અને તે તમે મને મળી ગયા છો. હોમરૂલ લીગ, જમનાદાસ, વગેરે બધું મૂકી દઈને મારી પાસે જ આવવાની તમારે તૈયારી કરવાની છે. આ જિંદગીમાં આવા શબ્દો બહુ ઓછા જણોને મેં કહ્યા છે. માત્ર ત્રણ જ જણને—પોલાક, મિસ શ્લેશિન અને ભાઈ મગનલાલ. આજે તમને તે શબ્દો કહેવા પડે છે અને આનંદથી કહું છું. કારણ તમારામાં ત્રણ ગુણો હું ખાસ જોઈ શક્યો છું. પ્રામાણિકતા, વફાદારી અને સાથે હોશિયારી. મગનલાલને મેં એક દિવસ ઉપાડી લીધો ત્યારે બહારથી જોઈએ તો મગનલાલમાં કાંઈ ન હતું. પણ આજે તો તમે મગનલાલને જોઈને ચકિત થાઓ છો ને ? એ કંઈ શીખેલો ન હતો. મેં પ્રેસને માટે પહેલો એને તૈયાર કર્યો. પહેલાં ગુજરાતી બીબાં ગોઠવતાં શીખ્યો, પછી અંગ્રેજી, પછી હિંદી, તામિલ વગેરે સઘળાં બીબાં હોશિયારીથી ગોઠવતાં શીખી ગયો. અને એ બધું એણે એટલા ઓછા વખતમાં આટોપ્યું કે હું જોઈ રહું. ત્યાર પછી તો એણે કંઈ કંઈ કામ કરી બતાવ્યાં છે. પણ મગનલાલની વાત તો કોરે રહી. તમારામાં જે હોશિયારી મેં જોઈ છે તે મગનલાલમાં નથી જોઈ. તમારા ગુણોને લીધે તમે મને અનેક કામોમાં ઉપયોગી થઈ પડશો એવી મારી ખાતરી છે.” [ આ બધું હું કંઈક આશ્ચર્ય, કંઈક શરમ

૭૯