પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને સંપૂર્ણ મૌનથી સાંભળી રહ્યો હતો. મારાથી વચ્ચે બોલાઈ ગયું કે ‘મેં કંઈ મારું કરેલું કામ બતાવ્યું નથી.’ તેના ઉત્તરમાં હવે પછીનુ બોલાયું.] “તમને શું ખબર પડે ? હું તો બહુ ઓછા વખતમાં માણસને જોઈ શકું છું. પોલાકને પાંચ કલાકમાં પારખી લીધેલા. મારો છાપામાં એક પત્ર વાંચી પોલાકે મને એક પત્ર લખ્યો અને મળવા આવ્યો ત્યારે જ મેં એને જોઈ લીધો અને પછી તો એ મારો થઈ ગયો. એ પરણ્યા અને વકીલ થયા તે પણ મારે ત્યાંથી. પરણતા પહેલાં મને કહે કે મારે થોડું કમાઈ લેવું જોઈએ, બચ્ચાં છોકરાં સારું. મેં તેને સ્પષ્ટ કહ્યું કે તું હવે મારો છે. તારી ચિંતા અને તારાં બચ્ચાં છોકરાંની ચિંતા મને છે. હું તને પરણાવું છું અને તું પરણે એમાં કંઈ વાંધો નથી. અને પછી મારા ઘરમાં જ એનાં લગ્ન થયેલાં. વારુ, એ વાત તો થઈ રહી, પણ હવે તમને કહું છું કે તમે હોમરૂલ તથા જમનાદાસની વાત છોડી દો. હૈદરાબાદ જાઓ. એકાદ વર્ષ ખેલી ખાઓ. જગતની મઝા ભોગવો અને ધરાઈ લો. હૈદરાબાદમાં ગયા પછી જે દિવસે અને જે ઘડીએ તમને ત્યાં તમારાપણું જતું લાગે તે જ ઘડીએ રાજીનામું આપી ચાલતા થવું અને મારી પાસે આવીને બેસવું.” [એટલે મેં કહ્યું કે ‘હું તો આજ પણ આવવા તૈયાર છું.’] “તમે તૈયાર છો એ હું જાણું છું, પણ તમે હજી જરાક જિંદગી જુઓ અને ખેલ ખેલી લો એવો મારો તમને આગ્રહ છે. તમારા કો-ઑપરેશનના જ્ઞાનની પણ મને જરૂર પડશે. આપણે તો એ ખાતાનો ખોડો કાઢવો છે. બિલકુલ નિશ્ચિંત રહો અને

૮૦