પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૯
બાપુજી સાથે ચંપારણ ગયા

ઉપરની વાતચીત થઈ ગયા પછી મહાદેવનું ચિત્ત બીજા કશામાં ચોંટે એમ હતું જ નહીં. નવેમ્બર મહિનામાં ગોધરામાં પહેલી ગુજરાત રાજકીય પરિષદ મળી. ત્યાં તેઓ દુર્ગાબહેનને લઈને બાપુને મળવા આવ્યા. બાપુએ કહ્યું કે : તમે બંને થોડો વખત મારી સાથે ફરો, પાકો નિર્ણય પછી કરજો. એટલે ગોધરાથી સીધા બાપુજી ચંપારણ જવાના હતા એ પ્રવાસમાં તેઓ બંને બાપુની સાથે થયાં.

પિતાશ્રીના બે વાંધા

મહાદેવ બાપુજી સાથે જોડાય તેમાં મહાદેવના પિતાશ્રીને બે વાંધા હતા. એક તો, તેમને લાગતું કે મહાદેવનું શરીર બહુ નાજુક છે. એણે કોઈ દિવસ કશું મહેનતમજૂરીનું કામ કરેલું નથી. અને ગાંધીજીની સાથે તો બહુ મહેનતુ અને ખડતલ જીવન ગાળવું પડે તેમાં મહાદેવનું શરીર શી રીતે ટકે ? બીજું તેમને એમ લાગતું કે સમાજમાં કોઈ માનમરતબાનું સ્થાન મેળવ્યા પછી આવામાં પડે તેની જ કિંમત છે. જિંદગીની શરૂઆતમાં આવામાં પડે તેને પાછળથી પસ્તાવું પડે છે. બાકી કમાવાની અને ધનસંચયની તેમને બહુ પડી ન હતી. એક દિવસ મહાદેવને ઘેર અમે બધા બેઠાબેઠા ચા પીતા હતા.

૮૪