પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તરકારી !” હું શી રીતે કુલાઈ શકું ? મારી આગળ તો નાશિકના જેલરોનાં ચિત્રો હજી તાજા' જ હતાં, અને જે છે તે બધું બાપુને લીધે છે એ ક્ષણ વાર પણ વીસરાય એવી વાત થોડી જ હતી ?

એક વાત પહેલા દિવસના સંવાદની રહી ગઈ. બાપુ કહે : “અહીં તો મશરૂની તળાઈમાં મને સુવરાવે. તમને લાવશે એવી મને આશા નહોતી, પણ તમને લાવ્યા. એવી રીતે અનેક સગવડો આપવાનો પ્રયત્ન કરે, પણ તેથી હું શી રીતે ભરમાઈ જાઉં ? તેથી કાંઈ જે ધર્મ આવી પડે તેમાંથી ચળી શકાય છે ? તમારા અભિપ્રાય પણ પૂછું છું તે ઉપવાસ કરવાને વિષે નથી પૂછતો. દિલ્હી જેવા સંજોગ હોત તો તમને કોઈ ને પૂછત નહીં'. સામાન્ય રીતે હું નિર્ણય કર્યા પછી જ જાહેર કરું છું, પણ આ વેળા તો આ ultimatum (છેલ્લી ચેતવણી) આપવાપણું રહેલું છે. અને જેની નોટિસ આપવાની રહી તેને વિષે ચર્ચા જરૂર કરી શકાય.”

બપોરે લાઈબ્રેરીનું કેટલૉગ આવ્યું. અને પોતાને મનગમતી ચોપડીઓની માગણી કરવા લાગ્યા. કાઢો, અંદર સ્કૉટ છે ? મૅકૉલે છે ? કિંગ્સલી Westward Ho (વેસ્ટવર્ડ હો) ? જ્યુલ્સ વર્ન છે ? Faust (ફ્રોસ્ટ ) છે ? હ્યુગો છે ? એડવર્ડ કાર્પેન્ટરનું નામ સાંભળી તુરત કહે Adam's Peak to Elephanta (ઍડમ્સ પીક ટુ એલીફન્ટા ) મંગાવો. અને નિવેદિતાની Cradle Tales ( ક્રેડલ ટેલ્સ ) પણ મંગાવો. જેલની ચાપડીઓ વિષે વાત કરતાં કહે : ‘‘ દક્ષિણ આફ્રિકાની જેલની લાઈબ્રેરીમાં જ મેં પહેલી વાર Dr. Jekyll & Mr. Hyde ( ડો. જેકીલ અને મિ. હાઈડ ) વાંચ્યું. મને ખબર નહોતી કે આ વસ્તુ શું છે. આ લાઈબ્રેરીમાં પણ સ્ટીવન્સન છે એમ મેં કહ્યું'. Virginitris Purisque ( વર્જિ'નાઇટીસ પ્યુરિસ્ક ) એટલે તો To the pure virgin ( ટુ ધી પ્યોર વજિન ) કહેવાય એમ બાપુએ પોતે જ કહ્યું અને કહેવા લાગ્યા : " એ નિબંધ સારા હશે જ.”

ખગાળની વાતો કરતાં કહે : "હવે હું બહું પાવરધો થઈ ગયો છું. તમે કાકાની સાથે કાંઈ આકાશદર્શન કરતા કે ?. હું તો અહીં ‘ટાઈમ્સ'માંથી નકશો લઈને બેસું છું, અને રોહિણી, કૃત્તિકા, મૃગા, અને અનુરાધા જ્યેષ્ઠાથી બહુ આગળ ગયો છું. આફ્રિકામાં કિચનની સાથે હતો ત્યારે કિચનને આ બાબતમાં બહુ રસ હતો. એ મને એક વેધશાળા ઉપર પણ લઈ ગયા હતા. પણ મને કાંઈ રસ ન પડેલા. તે વેળા બીજી જ વસ્તુઓનો રસ હતો. બાકી આજે રસના ઘૂંટડા ચડે છે. આમાંથી દૃષ્ટિ કેટલી બધી વિશાળ થાય છે ? બોટ ઉપર પેલી ચોપડીનાં છેલ્લાં પ્રકરણ તમે વાંચ્યાં

૧૦