પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસથી ઉપવાસ કરી રહેલ છે. તમે સમજાવી શકશો ? બાપુ કહે : " જરૂર, તમે બોલાવો." બોલાવ્યા. લગોટ પહેરીને ઑફિસમાં આવ્યા. એને પૂછવામાં આવતાં એણે ખુલાસો કર્યો કે " મારે તો સ્વાવલંબનનું વ્રત છે, એટલે હાથે. કાંતેલાં જ કપડાં પહેરવાં જોઈ એ, અને મધુકરીથી અન્ન ખાવાનું અથવા તે ન કરું તો ફળાહાર અને દૂધ પર રહેવાનું વ્રત છે." સુપરિન્ટેન્ડન્ટ કહે : " આ વ્રત નાશિકમાં નહોતાં ? " એ કહે : " સંધિ પછી એ વ્રત લીધાં. " બાપુએ ખૂબ સમજાવ્યા, કહ્યું કે : " સ્વાવલંબનનો એ અર્થ જ નથી થતો. તમારે પૈસા આપવા પડતા હોય તો જુદી વાત છે. અહીં તો જેલ જે આપે તે પહેરવું ઘટે. અને ખાવાનું અમુક જ મળે એવો આગ્રહ કેમ રખાય ? મધુકરી અથવા ફળાહાર એ વ્રતનો હુ તો કશો અર્થ કરતો જ નથી. શું દૂધ એ ખોરાક નથી ? ફળ એ ખોરાક નથી ? હું તો એને વિલાસ ગણું. અને એ રીતે તો બધા જ તમારા જેવાં વ્રત લઈ ને આવે અને ‘સી’ કલાસના ખોરાકમાંથી છૂટી જાય. એ ઉપવાસ મને નિરર્થક લાગે છે." . . . એ બીજી દલીલ કરી. " હિંદુ ધર્મમાં વ્રતો રહેલાં છે, એ વ્રતોને માટે મરવાને આપણે શક્તિ કેળવી નથી. એટલે હિંદુ ધર્મ જ્યાં ત્યાં વગોવાય છે. જુઓને મારું માથું બોડ્યું, પણ મુસલમાનની દાઢી કેાઈ અહીં બોડે છે ?" બાપુ કહે : " તમારી ચોટલી ઉતારતા હોય તો તમે એ કહી શકો ખરા. બાકી તમે જે આગ્રહ કરી રહ્યા છો તે નથી હિંદુ ધર્મને શોભતો કે નથી તમારા જેવા કાર્યકર્તાને શોભતો. તમને આ લોકો મરવા નહી દે; સંભવ છે કે થોડા દિવસ ઉપવાસ કરાવીને તમને ફળ ને દૂધ આપે; પણ તેમાં તમારા સત્યાગ્રહનો વિજય થયો એમ હું નહીં માનું. એ તો એ લોકો કહેશે કે ઝોંસો, અને કહો એને લે, હવે લપ મૂક. આવાં વ્રત લઈને જેલમાં જ ન અવાય." એણે ન માન્યુ. બાપુ કહે : " ભાઈ, આ બધી વાત તો મેં પ્રચલિત કરી. મારું તો આ બાબતમાં કહ્યું માન." તોયે ન માન્યું. બાપુ કહે : " તમે કહો છો દેહ પડે તો ભલે. એ કહેવામાં અને દેહ પડવા દેવામાં પણ એક પ્રકારનો વિલાસ છે, અને આમ આ માની લીધેલા વ્રતને વળગી રહેવામાં મિથ્યાભિમાન રહેલું છે. " એ એકના બે ન થયા. એટલે બાપુએ કહ્યું : " તો ભલે, હું તમને બળાત્કારે પાડવા નથી માગતો. પણ તમારી બુદ્ધિ ઉપર અસર કરી શકું તો જરૂર કહું કે આ છોડી દો." છતાં સુપરિન્ટેન્ડન્ટને બાપુએ કહ્યું કે " એને દૂધ આપો, માંદા તરીકે લેખીને. જે માણસ ઉપવાસ કરતા હોય ગમે તે કારણસર-એને ન મરવા દેવો હોય તો કાંઈ આપવું જોઈએ; એટલે એને દૂધ અથવા ગ્લુકોઝ આપો." સુપરિન્ટેન્ડન્ટ કહે : " નહીં, એ તો સિદ્ધાન્તથી વિરુદ્ધ છે."