પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપુ કહે : " તમને આગ્રહ નથી કરી શકતો કારણ એની વાત મને સાચી નથી લાગતી; અને તમે કહો છો તેમાં વજૂદ છે; પણ આ તો . . જેવા માણસોનો વિચાર કરીને આપવું હોય તો અપાય, નહીં તો કાંઈ નહીં. મારો આગ્રહ જરાય નથી."

* **


એક એ કાગળો એવા આવ્યા હતા કે જેમાં બહારની હિલચાલ વિષે મત પુછાવ્યો હતો. બાપુ કહે : "આ કાગળ એનાથી લખાયો જ કેમ હશે ? એને કોઈ પણ પ્રકારનો જવાબ જ ન આપવો એ એનો જવાબ છે.”

* **

સુપરિન્ટેન્ડન્ટે સૂચના કરી કે સત્યાગ્રહી કેદીઓમાંથી જે વૉર્ડર થવાને તૈયાર થાય તો હું બીજા વૉર્ડર ઉઠાવી લેવાને તૈયાર છું. બાપુને એ સૂચના ગમી. પણ રાજદ્વારી કેદીઓ તૈયાર નથી એમ બાપુને કહેવામાં આવ્યું. " અમારું માને નહીં, અમે કાળી કિતાબે ચડીએ, અને માંહોમાંહે વૈમનસ્ય થાય. કેટલાક માણસો તો પજવે એવા છે જ, એ લોકોની સામે રિપોર્ટ કરીએ તો નાહકના અળખામણા બનીએ." બાપુ કહે : " એ તો સ્વરાજમાં પણ કરવું પડશે, મહોમાંહે બંદોબસ્ત તો રાખવા જ પડશે ના ? હું હોઉં તો જરૂર એ કામ ઉપાડી લઉં."

બાપુએ આકાશદર્શન ઉપર લેખ લખ્યો તેની નકલ બહેનોમાં અને ભાઈઓમાં મોકલવાની છૂટ મળી. જેલરની ઈચ્છા થઈ કે લાવો આ વાંચી તો જોઈએ. એણે બાપડાએ કોઈ દિવસ આકાશદર્શન ન કરેલું. તેનું કુતૂહલ જાગ્રત થયું, અને મૃગ નક્ષત્રને પ્રથમ વાર જિંદગીમાં એણે સાનંદાશ્ચર્યથી નિહાળ્યું અને આજે બાપુને એ વાત પણ કહી સંભળાવી. બીજા તારા વિષે એમ લખવાના છો ખરા કે ? એમ પણ પૂછયુ !!

* **

' વેઠિયાવાડ ' ની ઉત્પત્તિ મને આજે સોમાએ સમજાવી. સાહેબ, એક પટેલને કહેવામાં આવ્યું કે ‘વાડ ઠીક કરાવો.’ પટેલે વેઠિયા ઢેડાને કહ્યું કે, ' અલ્યા જા વાડ કરી આવ.' પેલો ગયો અને ડિગલાં જેમતેમ ચોઢી આવ્યો. પટેલ પૂછે: " અલ્યા વેઠિયા, વાડ કરી આવ્યો ?" પેલો કહે : ' પવનનો ઝપાટો ન આવે તો તમારે નસીબે વાડ ઊભી રહેશે, પણ પવન ખૂબ આવે તો તે ઊડી જ જશે." પેલો કહે: " વેઠિયા, તેં ઠીક વાડ કરી ! ! '

૯૭