પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ જ કાવ્ય છે. પણ કાવ્ય કાંઈ અયોગ્ય અથવા ઊતરતી વસ્તુ અથવા તો અનાવશ્યક વસ્તુ છે એમ નથી. એ અત્યંત આવશ્યક વસ્તુ છે. પાણી એ બે ભાગ હાઈડાજન અને એક ભાગ ઑકિસજનનું બનેલું છે એ ન્યાયની વાત થઈ. પણ પાણી એ ઈશ્વરદત્ત ભેટ છે એમ કહેવું એ કાવ્યની વાત થઈ. એ કાવ્ય સમજવું એ જીવનનું આવશ્યક અંગ છે. પાણીનો ન્યાય સમજવો એ આવશ્યક અંગ નથી. તેમ જ જે કાંઈ થાય છે તે કર્મનું ફળ છે તેમ કહેવું તે અત્યંત ન્યાયયુક્ત છે. પણ કર્મની ગતિ ગહન છે. આપણે દેહધારી એટલા બધા પામર છીએ કે એક સામાન્યમાં સામાન્ય પરિણામ માટે પણ જેટલાં કર્મો જવાબદાર હોય એ બધાનું જ્ઞાન આપણે નથી પામી શકતા. તેથી ઈશ્વરની કૃપા વિના કશું નથી થતું એમ કહેવું એ બરાબર છે અને એ જ શુદ્ધ સત્ય છે. વળી અમુક દેહમાં રહેલો આત્મા એક ઘડામાં રહેલા વાયુની માફક કેદી છે અને તે ઘડામાંનો વાયુ જ્યાં સુધી પોતાને નોખો માને ત્યાં સુધી એ પોતાની શક્તિનો ઉપયોગ નથી કરી શકતો. તેમ શરીરમાં કેદ થયેલો આત્મા પોતે કંઈક કરે છે એમ માને તો સર્વ શક્તિમાન પરમાત્માની શક્તિથી વંચિત રહે છે. તેથી પણ, એમ કહેવું કે જે કાંઈ પણ થાય છે તે ઈશ્વર જ કરે છે, એ જ વાસ્તવિક છે અને સત્યાગ્રહીને શોભે છે. સત્યનિષ્ઠ આત્માની ઇચ્છા પુણ્ય હોય અને તેથી એ ફળે જ છે. તે વિચારતાં જે પ્રાર્થનાના શ્લોક તે ટાંક્યા છે એ પ્રાર્થના આપણી નિષ્ઠાના પ્રમાણમાં અવશ્ય આખા જગતને માટે પણ ફળે. જગત આપણાથી ભિન્ન નથી, આપણે જગતથી ભિન્ન નથી. સૌ એકબીજામાં ઓતપ્રેત પડેલાં છે, અને એકબીજાના કાર્યની અસર એકબીજા પર થયા કરે છે. અહીં વિચાર પણ કાર્ય છે એમ સમજી લેવું એટલે એક પણ વિચાર મિથ્યા જતો નથી. તેથી જ આપણે હંમેશાં સારા વિચારો કરવાની ટેવ પાડવી રહી.

૩. ઈશ્વર નિરાકાર છે અને સત્ય પણ નિરાકાર છે એથી સત્ય એ ઈશ્વર એમ મેં નથી જોયું કે ઘટાવ્યું. પણ મેં એમ જોયું કે ઈશ્વરનું સંપૂર્ણ વિશેષણ તો સત્ય જ છે, બાકીનાં બધાં વિશેષણ અપૂર્ણ છે. ઈશ્વર શબ્દ પણ વિશેષણ છે, અને અનિર્વચનીય મહાન તત્ત્વને ઓળખાવનારું એક વિશેષણ છે. પણ ઈશ્વરનો ધાત્વર્થ લઈએ તો ઈશ્વર શબ્દ રસ વિનાનો લાગે છે.

ઈશ્વરને રાજારૂપે એાળખવાથી બુદ્ધિની તૃપ્તિ થતી નથી. રાજારૂપે એને એાળખવાથી આપણામાં એક જાતનો ભય ભલે પેદા થાય અને તેથી પાપ કરતાં ડરીએ અને પુણ્ય કરવાનું પ્રોત્સાહન મળે. પણ એવું ભયવશ

૧૦૬