પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયેલું પુણ્ય પણ લગભગ પુણ્ય મટી જાય છે. પુણ્ય કરીએ તો તે પુણ્યને ખાતર જ કરીએ, ઇનામને સારુ નહીં'. આવા અનેક વિચારો કરતાં કરતાં એક દિવસ એમ લાગી આવ્યું કે ઈશ્વર સત્ય છે એમ કહેવું એ પણ અધુરું વાક્ય છે. સત્ય એ જ ઈશ્વર છે, એ માણસની વાચા પહોંચી શકે ત્યાં લગીનું પૂર્ણ વાક્ય છે. સત્ય શબ્દનો ધાત્વર્થ વિચારતાં પણ એ જ પરિણામ આવે છે. સત્ય સતમાંથી નીકળેલો શબ્દ છે. અને સત્ એટલે ત્રણે કાળે હોવું. ત્રણે કાળ જે હોઈ શકે તે તો સત્ય જ હોય અને તે સિવાય બીજું કાંઈ ન હોય. પણ સત્યને જ ઈશ્વરરૂપે ઓળખતાં કાંઈ શ્રદ્ધા ઓછી થવી ન જોઈએ. મારી દૃષ્ટિએ તો ઊલટી વધવી જોઈએ. મને તો એ જ અનુભવ થયો છે. સત્યને પરમેશ્વર રૂપે ઓળખતાં અનેક પ્રપંચમાંથી છૂટી જઈએ છીએ. ચમત્કારો જોવાની કે સાંભળવાની ઇચ્છા નથી રહેતી. ઈશ્વરદર્શનનો અર્થ સમજવામાં મુશ્કેલી આવે, સત્યદર્શનનો અર્થ સમજવામાં મુશ્કેલી છે જ નહીં. સત્યદર્શન પોતે ભલે મુશ્કેલ હાય, મુશ્કેલ છે જ; પણ જેમ જેમ સત્યની નજદીક જતા જઈએ તેમ તેમ આપણે એ સત્યરૂપ ઈશ્વરની ઝાંખી કરતા જઈ એ છીએ. એટલે પૂર્ણ દર્શનની આશા વધે અને શ્રદ્ધા પણ વધે.

१९-४-'३२ આજે લક્ષ્મીદાસભાઈને બાપુની સૂચના અને સુધારા પ્રમાણે રેટિયો મોકલ્યો. એમાં પણ બાપુ કહે : “ હજી અમુક સુધારા થઈ શકે.’ લક્ષ્મીદાસભાઈ કાથાની દોરીના ચમરખાના પક્ષપાતી છે, બાપુ સૂતરની સીંદરીના પક્ષપાતી છે. કાથાની દોરીથી કઠોર અવાજ નીકળે છે. નવો રેટિયો મે ચલાવવા માંડ્યો અને એવો અવાજ નીકળવા માંડ્યો કે બાપુ આંતરડી કપાઈ જતી હોય તેવું મોં કરીને કહે : " કોઈ કલાકારને પોતાની કૃતિમાંથી બેહૂદા સૂર નીકળતો હોય અને દુ:ખ થાય છે તેમ મને થાય છે.” પોતે અહીંના મોઢિયામાં અમુક ફેરફાર સૂચવીને અહીંના સુથાર પાસે નવું મોઢિયુ કરાવ્યું અને એનું પરિણામ ડાબે હાથે પણ સરસ આવ્યું. બાપુ જાણે જન્મથી યંત્રશાસ્ત્રી હોય એવું ઘણી વાર જોઈ શકાય છે, તેમ જ વૈદ્ય. વલ્લભભાઈ માટે સલ્ફરનો પાક આવ્યો, બાપુએ તુરત જ એનું પૃથક્કરણ કરી આપ્યું. વલભભાઈ : " તમને એ બધું શી રીતે ખબર પડે ?” બાપુ કહે : “ હું એક વર્ષ કંપાઉન્ડર પણ હતો ના ? ”

૧૦૭