પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

२०-४-'३२ આજે આખરે દુખતો દાંત કઢાવવા પડ્યો. વલ્લભભાઈની ટીકા સાચી હતી. ૪૦ વર્ષની ઉંમરે દાંત પડવા માંડ્યા એ શું ? દયાજનક સ્થિતિ છે એમાં શંકા નથી. મને યાદ છે, મારા પિતા પણ એ ઉંમરે દાંતના દર્દથી પીડાતા અને દાંતો પડાવતા. મેજર મહેતા પોતે પાડી ગયા. એ માણસના વિવેક ઉપર બાપુ મુગ્ધ છે. બે કાગળોમાં બાપુએ મેજરનાં વખાણ લખ્યાં છે.

* **

આજે સાંજે ફરીને આવીને પગ લુછાવતાં લુછાવતાં કહે : “ આપણે રોમમાં વેટિકનમાં ઈશુ ખ્રિસ્તનું જે પૂતળું જોયું હતું તે નજર આગળથી ખસતું જ નથી. એને અંગે આપણા અભણ ગામડિયા માત્ર એક કપડાનો કટકો કમરની આસપાસ વીટાળી રાખે એવો કટકો હતો. એ ઉપરાંત બીજું કશું નહીં ! અને એની કરુણા તે વર્ણવી ન જાય.”

વલ્લભભાઈ એ 'લીડર’માંથી એક ઉતારો વાંચી સંભળાવ્યો. એડવર્ડ ટૅમ્સનના વિલાયતના ‘સ્પેકટેટર'ને લખેલો એક કાગળ - એ કાગળમાં ડાયરનો નવો જ બચાવ છે. તે એ કે માઈલ્સ અર્વિંગ સાથે પોતે દિલ્હીમાં જમતા હતા ત્યારે અર્વિંગે વાત કહેલી કે ડાયર જલિયાંવાલા પછી બોલેલો : " મને ખબર નહોતી કે બહાર નીકળવાનું બીજું દ્વાર જ ન હશે. અને લોકો બેસી રહ્યા એટલે મેં માન્યું કે એ લોકો હુમલો કરશે. એ વાતને છ માસ થયા પણ મારી આગળથી એ દૃશ્ય ખસતું નથી. મને એક દિવસ ઊંઘ નથી આવી. હંટર કમિટી આગળ આપેલી જુબાની તો માત્ર બીજાના ચઢાવ્યાને લીધે કરેલી શેખી હતી.”

આ ટૌમ્સન એ આજકાલ ‘મૅંચેસ્ટર ગાર્ડિયન'નો અહીની સ્થિતિ ઉપર કાગળ લખનારો. કૉંગ્રેસ ઉપર એણે હલકા હુમલા કર્યા છે અને 'મોડર્ન રિવ્યુ' એ એની સખ્ત ઝાટકણી કાઢી છે. એ માણસ ' ઢાલની બીજી બાજુ' (Other side of the shield.) નો અને ‘ હિંદનું કલ્યાણ’ (Welfare to India )નો કર્તા. એને ત્યાં જ ઑક્સફર્ડમાં બાપુની સાથે ઑક્સફર્ડના પંડિતોનો મેળાપ થયો હતો. વલ્લભભાઈ કહે : " આ માણસ તો તદ્દન લબાડ લાગે છે. 'મોડર્ન રિવ્યુ' નો પણ એ જ અભિપ્રાય હશે.” બાપુ કહે : " નહી, હું એને લબાડ નહીં કહું. એની 'ઢાલની બીજી બાજુ ' તમે વાંચી નથી. વાંચો તો તમે પણ ન કહો. એ પુસ્તક બહાર પાડવામાં એનો સ્વાર્થ નહોતો. કોઈના પૈસા લઈ ને એણે બહાર નહોતી પાડી. એમાં અંગ્રેજ ઈતિહાસકારોએ ઢાંકેલી બાબતો અંગે

૧૧૧