લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. એવી સંસ્થા ચલાવનારા આપણે શ્રદ્ધારહિત એટલે દાન વિષે લોકો ખરી કેળવણી પામ્યા નથી. એ તો અવળચંડું કુંડાળું છે. આપણે લોકોને કેળવણી આપી નહીં એટલે તે પામ્યા નહીં; લોકો પોતાની મેળે દાન આપતાં શીખે નહીં ત્યાં સુધી આપણે તેમના ઓટલા ભાંગવા. આ રીતે કામ પાટે ચઢે જ નહીં. લોકો શીખે નહીં ને આપણામાં શ્રદ્ધા આવે નહીં. પરિણામે દળી દળીને ઢાંકણીમાં વાળ્યા જેવું થાય. તેથી આપણે કેટલાકે ભારેમાં ભારે જોખમ ઉપાડીને પણ શ્રદ્ધાનો માર્ગ લેવો ઘટે છે. એ લેવાને તમે સાવ લાયક છો. પ્રમાણમાં જૂની સંસ્થા છે, પ્રતિષ્ઠા મેળવી છે, શિક્ષકો બધાય સ્વાર્થી નથી, જે શિક્ષા અપાય છે તે હેતુથી અપાય છે. તેના સાક્ષી રૂપે કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર પણ થયા છે. કેટલાક નિયમસર દાન દેનારા મળી આવેલા છે. એટલે વ્યવહારબુદ્ધિએ તપાસતાં પણ મેં સૂચવેલું પગલું અજુગતું નથી લાગતું. અને મારી દૃષ્ટિએ શુદ્ધ શ્રદ્ધા એ શુદ્ધ વ્યવહાર છે.

" તમે ફી વધારો અને સ્વાશ્રયી બનો તો ધનવાનનાં જ બાળકો આવે એમ શા સારુ માની લો છો કેટલાક તો તમે મફત લેતા જ હશો. એનો બોજો તમે ધનવાનની ઉપર નાખો, તમારા શિક્ષણની તેમને ગરજ હશે તો એટલો કર આપશે, આપવો જોઈએ જ. તમારા શિક્ષણની આવશ્યકતા વિષે શંકા શાને લાવો છો ? મારો તો દઢ વિશ્વાસ અને અનુભવ છે કે આપણી સારામાં સારી સંસ્થાઓ પણ દ્રવ્યની ભિક્ષામાં આચાર્યવર્ગ પોતાનો સમય રોકે છે તેથી પૂરો વિકાસ પામતી નથી. સંસ્થાનો આંતર વિકાસ એ જ આચાર્યની સાધના હોવી જોઈએ. તેને બદલે આચાર્યોને તેમનો અમૂલ્ય સમય દ્રવ્યને સારુ દેતા ભાળ્યા છે. મને તો એમ લાગે કે એમ કરવામાં આચાર્યો પોતાનો ધર્મ ભૂલ્યા. પોતાના ધંધા વિષે તેમણે શ્રદ્ધા ન રાખી. પરિણામ આપણે જોઈ એ છીએ. એક વાર તો તમે બધા શિક્ષકો મળો, અને પછી જે મિત્રો આજ લગી દ્રવ્ય આપતા આવ્યા છે તેની સાથે મળો, અને પછી સંકલ્પ કરો. મળવું તે સલાહ લેવાને નહીં પણ સંકલ્પ કરવાને સારુ અને તે જાહેર કરવાને સારુ. શ્રદ્ધા કોઈની સલાહની વાટ નથી જોતી, અને જે સલાહ લેવા બેસશો તો ખેાશો.

“ આજ તો આટલેથી બંધ કર્યું. વળી મારી સાથે ઝઘડવું હોય તો સુખેથી ઝઘડજો. તમને કાગળ લખવાની નવરાશ હશે, તો મને તો છે જ; અને આવી નવરાશ બહાર હોઉં તો હોય જ નહીં. એટલે મારા વિશેષ જ્ઞાન અને વિશેષ અનુભવનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેજો. નહીં ઉઠાવો તો તમે ખોશો. આ બાબતમાં હું કુશળતા ધરાવું છું એમ કહેતાં જરાય

૧૧૩