પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સકોચાતો નથી, નથી ઉજવાતો. મારી કુશળતા તમે કબૂલ રાખો કે નહીં એ તમે જાણો. પણ સર્પના ડખનો ઉતાર જાણનાર માણસ પોતાની કળાને વિષે શંકિત રહે અથવા છુપાવે તો એ જેમ મૂરખનો સરદાર ગણાય એમ હું પણ મારી કળાને જાણતાં છતાં છુપાવું તો એવા મૂરખનો ભાઈ બનું. હાથે કરીને એવા બનવાની ઈચ્છા નથી.”

* **

બહાર સૂવાની આદત વિષે વાત કરતાં મેં બાપુને યાદ આપ્યું કે “આપ તો દક્ષિણ આફ્રિકામાં પણ બહાર ખુલ્લામાં સૂનારા હતા એવું ‘ આત્મકથા’માં છે.” બાપુ કહે : “ હાસ્તો. બહાર સૂતો એટલે શું ? દક્ષિણ આકિકાની સખ્ત ઠંડીમાં જ નહીં પણ વરસાદમાં પણ, ઠંડીમાં સારી પેઠે એાઢવાનું હોય. કૅલનબૅક ઢગલો કામળા ભેગા કરે, અને વરસાદમાં ઉપર મીણપાટના કપડા જેવું રાખવું કે જેથી પાણી નીચે ઊતરી જાય. મોં પર પણ કાંઈ ઢાંકણ માટે યુક્તિ વિચારી લીધી હતી. અમે તો ઝનુની પ્રયોગખેાર હતા; જે લીધું તેનો અંત કાઢવો. કાંદામાં શક્તિ છે એમ જાણ્યું એટલે મંડ્યા કાંદા ખાવા ઉપર. એક વાર આમલી સારી રીતે ખાતો. આમલી કર્વી નામના રાગને નાબૂદ કરનાર છે અને લીબુ બહુ મોંઘાં મળે એટલે ઢગલેઢગલા આમલી ખાતા - મગફળીની સાથે - આમલી અને ગોળનું પાણી કરીને !”

२१-४-'३२ બાપુ સવારના પહોરમાં કાકા વિષે વાત કરતા ઊઠ્યા. પ્રાર્થના શરૂ કરીએ તે પહેલાં જ વાતો કરવા મંડ્યા “કાકાને દૂધ નથી આપતા એ વાત બરાબર નથી લાગતી. ગાયનું દૂધ નથી આપી શકતા એમ કહ્યું હશે. અને ઓલિવ ઓઈલ એ ગાયનું માખણ ન આપી શકે એ કારણે હશે. દુર્દશા એવી છે કે ગાયનું દૂધ ઘણે ઠેકાણે નથી મળતું. મદ્રાસમાં બિલકુલ ન મળે, પંજાબમાં ન મળે, મહારાષ્ટ્રમાં પણ નહીં મળતું હોય. પણ ગાયના દૂધના વ્રતવાળો નેસલ્સ મિલ્ક લે તો ચાલે, પરદેશની ડેરીનું માખણ લે તો ચાલે - કારણ એ બધાં ગાયના દૂધમાં હોય છે !” ગાયના દૂધનું વ્રત ક્યાં લઈ જાય છે એ આમાંથી સમજાય છે !

પ્રાર્થના પછી કહે : " આજે જ ઇન્સ્પેક્ટર જનરલને લખવું પડશે, જો કે આ બધી ખબર ક્યાંથી ગાંધીને પડી એ સવાલ ઊભો થાય, અને સુપરિન્ટેન્ડન્ટને આપણી ટપાલ કાળજીથી જોવાના હુકમ મળે, તો આશ્ચર્ય નહીં ! ”

૧૧૪

૧૧૪