પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન થાય. પણ ભગવાન જાણે. આ લડાઈ સોની કસોટી કરી રહી છે.”

સૂવા જતાં વલ્લભભાઈ હસતાં હસતાં કહે : “ મહાદેવ આપણા ત્રણ ધ્રુવ તારા નહીં ખરવાના.” બાપુ કહે : “ પહેલાને વિષે મને શંકા છે. બાકી બીજા બેને વિષે તો એમ છે કે એ લોકોને પડ્યા વિના ચાલે જ નહીં.”

१२-३-'३२ આજે ગઈ કાલે ગણાવેલા ત્રણ તારામાંથી એક ખર્યાની વાત આવી, એટલે બાપુ વલ્લભભાઈને કહે : “ આજે હવે તમે સુખે ખાજો. રોજ કહ્યા કરતા હતા : “ જેલમાં નથી જતા. હવે એ બિચારા ગયા, હવે તો તમને નિરાંત વળી ના ? ”

‘ટાઈમ્સ’ના ‘ ઇલસ્ટ્રેટેડ વીકલી ’માંથી તારામંડળનો નકશો કઢાવ્યો અને તે ઉપરથી આકાશદર્શન કરવા માટે એક કાર્ડ બોર્ડ ઉપર તેને ચોંટાડવાને માટે વલ્લભભાઈ ને આપ્યો. દર રવિવારે આશ્રમની ટપાલ મોકલવાને માટે બ્રાઉન પેપર સંઘરેલા હોય તેમાંથી એક મજબૂત પાકીટ બનાવવાનું કામ પણ વલ્લભભાઈને માથે છે. તે પ્રમાણે એમણે સુંદર પાકીટ બનાવ્યું.

' હિંદુ ' છાપું ' લંડન ટાઈમ્સ’નું અનુકરણ છે અને ‘હિંદુ’ની સાપ્તાહિક આવૃત્તિ એ અહીંના ‘ઈલસ્ટ્રેટેડ વીકલી'ની નકુલ છે એમ બાપુએ કર્યું. મેં કહ્યું : "પણ ‘ઈલસ્ટ્રેડ્રેટેડ વીકલી'” જયારે છીછરા માણસોને માટે છે ત્યારે આ છેક એવું નથી." બાપુ કહે : "' છેક ' શબ્દ તમે ઉમેર્યો એ ઠીક કર્યું. નહીં તો આમાં પણ છીછરી વસ્તુઓ પાર વિનાની આવે છે."

બપોરે આશ્રમની ટપાલ લખ્યાં કીધી. દરમ્યાન વલ્લભભાઈ કહે : " અમારે તમને ‘ સત્ય સંહિતા' બતાવવી જોઈએ. ' ગુજરાત' માં મુનશીએ છાપી છે અને અમને મોકલી છે. " એ કાઢવામાં આવી. હું વાંચી ગયો. આપુ કહે : " ઘણાં ધતિંગ બનાવવામાં આવે છે, એવું એ હોઈ શકે. ત્રણસો વર્ષ જૂની હોય નહીં અને હમણાં જ રચવામાં આવી હોય." પછી વલ્લભભાઈ કહે : " એ તાડપત્ર ઉપર છે. એકસો પચીસ પુસ્તકો છે, એ લખવા બેસે તો પણ માણસ એટલું કે' દિવસે લખી શકે ? " બાપુ કહે : " મારા જન્મની, માબાપની વગેરે પૂર્વઈતિહાસની વાતો તો આશ્ચર્ય પમાડે એવી છે." મેં કટકે કટકે શ્લોકો વાંચવા માંડ્યા. બા વિષે શ્લોકો આવ્યા ત્યારે બાપુ કહે : " એ અક્ષરશઃ સાચું છે. "

भार्येका भविता साध्वी रूपशीलगुणान्विता ।।
पतिव्रता महाभागा छायेवानुगता सदा ।
जातकष्टे कष्टभाक् च जात सौख्ये सुखान्विता
ब्राह्मे विवाह सिद्धिश्च त्रयोदशक वत्सरे ।

૧૨