પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રાર્થના કરી લઈ એ એ જ ઠીક છે.” દાતણપાણી અને પ્રાર્થના કરી રહ્યા પછી ચાર થયા. લીંબુનું પાણી અને મધ પીધાં. દરરોજ ચાર સાડાચારથી સાડાપાંચ વાગ્યા સુધી બાપુ અને સરદાર ચાલે છે. બાપુએ આજે સરદારને ચિઠ્ઠી ઉપર લખ્યું : “ તમે બાકીની ઊંઘ પૂરી કરી.” સરદાર કહે : “ નહીં, આપણે તો તમારી પાછળ પાછળ જ ચાલવાના !”

१५३-'३२ આજે બાપુએ હરિદાસની ખબર મેજરને પૂછી. પૂછતાં સંતોષકારક જવાબ ન મળ્યો. એટલે બાપુ કહે : "એને મને બે અક્ષર લખવા દો. એ મારા અક્ષર વાંચશે એટલે પણ એના જીવમાં જીવ આવશે.” મેજર કહે : “ એ તો ન બને.” બાપુએ કહ્યું : “ મેજર માર્ટિને એવી રીતે રજા આપી હતી.” મેજર કહે : “ હું તમારો સંદેશ આપીશ એ વધારે ઠીક થશે.” બાપુ કહે : “ એ ચાલે, પણ વધારે ઠીક તો હું લખું તે.” મેજર કહે : " તમારી આ ટપાલમાં તમારા અક્ષરો બતાવીશ તો ! ” બાપુએ હરિદાસને મળવાની પરવાનગી શુક્રવાર સુધીમાં આપો એવો માર્ટિનને કાગળ લખ્યો.

* **

પણુ હરિદાસની જ વાત આજે સંતાપજનક છે એમ નહીં. બીજી ઘણી એવી ખબર મળી. કાકાસાહેબ, નરહરિ અને પ્રભુદાસને બેલગામ ખસેડ્યા છે. ત્યાં કાકાને રેંટિયા માટે સાત દિવસ ઉપવાસ કરવો પડ્યો. પ્રભુદાસને ઇસ્પિતાલમાં, નરહરિને બીજા સાથે, અને કાકાને જુદા રાખ્યા છે. પ્રભુદાસને એ માણસે બાવડાં ઝાલીને લાવ્યા, અને સળિયામાંથી વાત કરવી પડી. હું તો સમસમી ગયે. કયાં આ બધાંની લાયકાત અને કયાં મારી ! આમાંથી કોક બાપુ પાસે મૂકવામાં આવ્યા હોત તો કેવું યોગ્ય થાત ! પણ કોણ જાણે એ લોકોને વધારે તાવીને એમની યોગ્યતા હજીયે ઘણી વધારવી હશે, અને મારી પાસે ભગવાનને વધારે આત્મનિરીક્ષણ કરાવવું હશે અને મને વધારે શરમાવવો હશે ! જેલમાં આવ્યો ત્યારે બાપુની પાસે જવાય તો સારું એમ ઊંડે ઊંડે મન ઇચછતું હતું. ન જવાય એમ યેાગ્યતાનું ભાન કહેતું હતું, અને હવે મારે બદલે વધારે યોગ્ય આ બધામાંથી કોક હોત તો સારું એમ આત્મા સાક્ષી પૂરે છે. “ અકલ કલા ખેલત નર જ્ઞાની”

* **

આ લોકોની વાત સાંભળી મને દુઃખ થાય છે, એમ બાપુએ જોયું એટલે બાપુ કહેઃ “ નહીં જે થાય છે તે ઠીક થાય છે. આપણે શું જેલ

૧૭