પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભોગવીએ છીએ ? જેલનો ખરો અનુભવ એ લોકોને થવાનો એ સારી વાત છે.” મેં કહ્યું : “ એક દૃષ્ટિએ તો એ સરસ છે જ. આજે જમનાલાલજીને વીસાપુરમાં જોઈને બધાનું શેર લેાહી ચઢયું હશે. તેમ જ કાકા નરહરિના સાથનું અનેકને અભિમાન થયું હશે.” બાપુએ આગળ ચલાવ્યું : “એટલે જે થાય છે તે સરસ છે. મેં તો અહી જેલ ભોગવી જ નથી એમ કહેવાય.” મેં કહ્યું : " '૨૨માં કંઈક ભોગવી હતી એમ કહેવાય.” બાપુ : " ના, ના. કશું જ નહીં" મેં કહ્યું : "દૂધ પણ બે વાર ગરમ કરવા નહોતા દેતા ને !' બાપુ કહે : “ જૂઠી વાત ! એ બધી તમે અતિશયોક્તિ સાંભળેલી. જે માગું તે મળતું હતું. સગડી માગું તો સગડી, રોટી માગુ તો રોટી અને ઘી માગું તો ઘી. કાગળ-પત્રો બિલકુલ ન લખેલા અને મુલાકાત નહોતી લીધી એ વાત સાચી. પણ એવું તો મારું આજેયે ચાલ્યા જ કરે છે ના ! ” પછી કહે છે : “ ખરી જેલ તો દક્ષિણ આફ્રિકામાં ભોગવી. ગાળો ખાધી, મારો ખાધા, સખ્ત મજૂરી કરી.” " માર ખાધા? ” “ હા. અમલદારોના નહીં, પણ કેદીના. અમને ઝૂલુઓની સાથે મૂકવામાં આવ્યા હતા. પાયખાનાની એવી વ્યવસ્થા હતી કે નીચે ડબા અને ઉપર એક આડું લાકડું. તેની ઉપર ઉભડક એસવાનું, નહી કશું પકડવાનું સાધન કે નહીં કશી એકાંત. હું જેમતેમ એ લાકડું બે હાથે પકડીને બેઠો હતો ત્યાં એક ઝૂલુ કેદી આવ્યો અને મને થપાટ મારીને હડસેલ્યો. હું ભીંત સાથે અફળાયો, માથામાં વાગ્યું હોત તો ઢગલો લોહી નીકળત. એ માણસને લાગ્યું કે એની બેસવાની જગ્યા ઉપર પગ મૂકીને હું બગાડું છું. એ દિવસે પાયખાને જવાની તો વાત જ શી ! બીજે દિવસે સુપરિન્ટેન્ડન્ટને આખો કિસ્સો વર્ણવ્યો, અને કહ્યું : “ અમને તમે આ જ સગવડ આપશો તો આવા કિસ્સા બન્યાં જ કરવાના. હું એમાં એ બિચારાનો દોષ કાઢતો નથી. પણ અમારે માટે હિંદી ઢબે જુદી વ્યવસ્થા જોઈએ, અમારે પાણી વાપરવું જોઈએ, અમારે અમુક રીતે બેસવું જોઈએ. બસ બીજે દિવસથી નોખી વ્યવસ્થા થઈ. એ તો હું હતો તો. નહી તો કેટલાયે દિવસ વિટંબણા વેઠી હોત. અને અમને ખાવાનું કેવું મળતું ? મીલી પેપ એટલે મકાઈની કાંજી – એ ત્રણ દિવસ દહાડામાં ત્રણ વખત; બે દિવસ ભાત, તે એકલો જ - શાક, દાળ વિના - તેમાં માત્ર મીઠું અને ઘી; તે ઘી પણ પ્રિટોરિયામાં તો નહી જ; અને બે દિવસ વાલ તે કેવળ ઉકાળેલા ! એ વિષે તકરાર ઉઠાવી ત્યારે અમને અમારી પોતાની રસોઈ કરી લેવાની રજા મળી. રજા મળી તો પણ રાંધવાની. ચીજો તો એની એ જ. થંબી નાયડુ રાંધતો અને સુંદર

૧૮