પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાત બનાવીને આપે, એ બધા નાચી નાચીને ખાય. મારે જે એારડીમાં રહેશ્વાનું હતું તે માંડ ત્રણચાર ફુટ પહોળી અને છ ફુટ લાંબી હશે, અને તિજોરી જેવી બંધ. એમાં અજવાળાનું નામ ન મળે, હવાને માટે માત્ર ઉપર બારી. એ એકાન્ત કોટડીઓ - અંધારી કોટડીઓ કહેવાતી. મારી આસપાસ બધા જગતના ઉતાર એવા કેદીઓ. એક ૩૦ વાર સજા પામેલો કેદી, એક બળાત્કારના ગુનાવાળો અને બધા ઝૂલુ. મારે કેદીઓનાં પહેરણનાં ખીસાં કાતરીને આપવાનાં અને પેલાએાએ એ સીવવાનાં. પેલાઓને કાતર અપાય નહીં એટલે એ કામ મને સોંપેલું. પછી કામળા ગૂંથવાનું કામ મળેલું; એટલે કે ફાટેલા કામળા એકબીજા ઉપર સીવી લઈને તેની રજાઈ બનાવી દેવાની. આવા તો સએંકડો કામળા મે' સીવ્યા હશે. અમારે ૬થી ૧૧ અને ૧૨થી ૫ એમ નવ કલાક કામ કરવું પડતું. પણ હું કદી થાક્યો નહીં. હું તો પેલાની પાસે કામળા માગ્યે જ જાઉં. પ્રિટોરિયામાં ઘી પણ ન મળે એટલે મેં ભાત ખાવાનો છોડ્યો. એક જ વાર મીલી પેપ લઉં. ડૉકટર રોટી મૂકે. પણ હું ના પાડું. આખરે ડોક્ટર હાર્યા અને ઘી આપ્યું અને રોટી પણ રહેવા દીધી. થોડો વખત અમને બહાર કામ કરવાનું મળેલું. મોટા મોટા ચાંચવા આપેલા અને તે વડે અહીંના કરતાં પણ વધારે ખડકાળી જમીન ખાદવાની. પછી મ્યુનિસિપલ વૉટર ટેંકનું કામ કરવાનું, ત્યાં પણ અમને મોકલવામાં આવ્યા હતા. એક ઝીણાભાઈ દેસાઈ કરીને હતા તે બિચારા ખાતાં ખાતાં મૂર્છા ખાઈ ને પડ્યા હતા. પેલો વૉર્ડર ગ્રિફિથ કરીને હતો તે તે બૂમ પાડ્યે જ જાય – ચલાવો, ચલાવો. પછી મેં એને નોટિસ આપી કે તું આમ કરીશ તો અમે કોઈ કામ નહીં કરીએ, ત્યારે એ ચેત્યો. મારું વજન તો આ દિવસમાં બહુ જ ઘટી ગયેલું. પણ ત્યારે વજનનો કોણ વિચાર કરતું હતું ! ત્રીજી વાર જેલમાં ગયો ત્યારે મારા ખાવાનો પ્રશ્ન ઊકલી ગયો હતો. મેં ખજૂર, મગફળી અને લીબુ માગી લીધાં અને તે મને મળેલાં. હરિલાલે પણ તે દિવસોમાં બહુ બહાદુરી બતાવેલી. એને દૂર ક્યાંક ખૂણાની એક જેલમાં કાઢેલા. ત્યાંથી બદલાવાને માટે એણે સાત ઉપવાસ કરેલા અને આખરે જીતેલા. હું તે વેળા બહાર હતો. પણ મેં એ બાબતમાં જરાયે માથું માર્યું નહોતું. એ બધા ખરા જેલના દિવસો હતા. આ તે જેલ ! અહીં તો સામાન્ય કેદીઓને પણ એટલા ત્રાસ નથી, જેટલો ત્યાં હતો. પાછળથી ત્રાસ હળવા થયેલા, ખાવાપીવાની વગેરે સ્થિતિ સુધરેલી. એ સુધરેલી દશામાં ઇમામ સાહેબ આવેલા.”

૧૯