પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ તેથી આપણે દુષ્ટ કહેવાતા મટીએ ? " બાપુ કહે : " નહીં, પણ આપણને તે વેળા કેાઈ દુષ્ટ કહે તે આપણને તો ખરાબ લાગે એમાં તો કાંઈ શંકા નથી. એટલે આ લોકીને દુષ્ટ માનવાની જરૂર નથી. ”

* **

મેજર માર્ટિનનો કાગળ આવ્યો તેમાં લખ્યું હતું કે: "સરકારને કાગળ મોકલ્યા છે અને તેના વળતી ટપાલે જવાબ માગે છે; તેમ જ ભંડારી પાસે પણ હરિદાસની ખબર માગી છે. "

સારજંટ વિન્સ અને રોજર્સને ઘડિયાળા મોકલી તે બદલ તેમની કદરદાની (appreciation) જણાવવાનું ઇન્ડિયા ઑફિસિ તરફથી મુંબઈ સરકારને લખાણ આવ્યું છે, એ ગાંધીને જણાવજો, એવો મેક્સ્વેલનો મેજર ભંડારી ઉપર કાગળ આવ્યો, તે બાપુને બતાવવામાં આવ્યો.

१७-३-'३२ રંગૂનવાળા મદનજીત ઈનસીન જેલમાં ૭૨ વર્ષની ઉંમરે ગુજરી ગયા. એ માણસની અનેક ત્રુટીઓ છતાં એણે બ્રહ્મદેશ માટે ભેખ લીધો હતો એને વિષે કશી શંકા નથી. એ સેવાને માથે એણે જેલમાં સ્વર્ગવાસી થઈને કળશ ચઢાવ્યો છે. બાપુને આ ખબર સાંભળીને અભિમાન થયું.

'ટાઈમ્સ' બાની કેદ સાદી છે એમ જણાવે છે,

આજના ' ક્રોનિકલ’માં ‘ ઍડવાન્સ ' પત્રમાંથી ઉતારેલો બેન્થામનો ગોળમેજીના કામનો ખાનગી અહેવાલ છે એ, એ લોકોને પૂરેપૂરા ઉધાડા પાડે છે. સવારે મિસિસ નાયડુને ‘સી’ મળે તો કેવું થાય ? એવી વાત થતી હતી ત્યાં બાપુ કહે : " એને વિષે એમ ન કરે. એટલા ઝેરીલા એ લોકો ન થાય." વલ્લભભાઈ કહે : " જુઓને જેમણે બાને ‘સી’ આપ્યો તેને વિષે પણ તમે કહો છો કે એટલા ઝેરીલા ન થાય. તમે તો ' ન્યાયદર્શી ' રહ્યા ને ? " સેમ્યુઅલ હોરને વિષે વલ્લભભાઈ પૂછે, " આ માણસ આમ કેમ આંખ આંધળી રાખી શકતો હશે ? " બાપુ કહે : " એ કન્ઝર્વેટિવના સ્વભાવમાં છે. જુઓને ગઈ લડાઈ વખતે જર્મનો કાન્સ સુધી પહોંચી ગયા ત્યાં સુધી અમે જીતીએ છીએ, જીતીએ છીએ, એમ જ વર્ણવતા હતા ને ! "

* **

કોણી ઉપરના હાડકામાં અને જમણા હાથના અંગૂઠામાં બાપુને બહુ દરદ રહે છે. બાપુ કહે : " એ ઘડપણનાં ચિહ્ન છે. એ દુ:ખનો વિચાર જ છોડી દેવો જોઈએ. એ અનિવાર્ય સમજીને એની આળપંપાળ છોડવી જોઈએ. " વલ્લભભાઈ : " પેલા હઠયોગીની જેમ ! " પછી બાપુ કહે : " જો હું બહાર હોત તો કદાચ બ્લડપ્રેશર વધી જાત એમ તો સ્પષ્ટ દેખાય છે.

૨૨