પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી સારી પેઠે જંગલમાં ભટકયા. તિજોરીની કુંચીનો ચોર તો કાઈ બીજો જ હતો એમ જોતાંવેંત બાપુએ તો એને બોલાવ્યા, એને વીનવ્યા. એ પાછા આવ્યા પણ બાપુ સાથે ન રહ્યા. બાપુએ એની પાસે પ્રેસ કઢાવ્યું, એમાં સારી પેઠે પૈસા નાંખ્યા. એને 'ઈન્ડિયન ઓપીનિયન’ કાઢવાનું સૂઝયું. એમાં લખે નાજર, તે બાપુ તપાસે અને પછી છપાય. એ તો આખા ખોટના ધંધા હતા. દર માસે પ૦-૬૦ પાઉન્ડ બાપુને નાખી દેવા પડે, અને માંડ ચારસો નકલો ખપે. બાપુએ છગનલાલને તપાસવા મેકલ્યા, તેને ન ગણકાર્યા. પછી વેસ્ટ ગયા. તેણે રિપોર્ટ કર્યો કે આ તો દેવાળું કાઢવાનો ધંધો છે, એને સમેટી લો. બાપુએ એને ફિનિકસ લઈ જવાનો નિશ્ચય કરતાંની સાથે આ ભાઈ હિંદુસ્તાન જવા નીકળેલા. ગોખલેની ઉપર કાગળ લઈ ગયેલા. બાપુની ઠીક વગેાવણી બરમામાં પણ કરેલી. પણ એના વખાણવા લાયક ગુણ એ કે એણે પંડને માટે કોડી ભેગી નથી કરી; અનેક ખટપટમાં ભાગ લેતા છતાં એમાં પોતાના સ્વાર્થ નહોતો ઇચ્છ્યો. ખટપટ, બીજાને વિષે વહેમાવું, પારકાના દોષો જ પ્રથમ જેવા, એવાં એવાં અપલક્ષણે એનામાં હતાં, પણ સમાજને અર્થે એણે ભેખ લીધેલ તે સાચો હતો. રંગૂનમાં પણ એણે સ્વાર્થ માટે કશું જ નથી કર્યું. અને કોમની સેવાને અર્થે જ જીવન ગાળ્યું એ વિશે શંકા નથી. એ જીવનનો અંત જેલમાં આણીને ઈશ્વરે એની અપૂર્વ કદર કીધી.

આજે ડાહ્યાભાઈ મળવા આવ્યા હતા. સવારે જોષી, નરસિંહભાઈ, અને હરિદાસને બાપુ મળ્યા. ડાહ્યાભાઈ કહેતા હતા કે સરોજિની દેવીને વાઈસરોય મળ્યા હતા. સરોજિનીએ કહ્યું કે ' આ ખરી વસ્તુ બહાર આવી એ સારું થયું. ત્યાં જઈને શું સ્વરાજ્ય મળવાનું હતું ?' કટેલીએ જમનાલાલજીને દબાવવાનો ખૂબ પ્રયત્ન કરી જોયો, એ સાંભળીને ભારે આશ્ચર્ય થયું.

* **

દર અઠવાડિયે આશ્રમની ટપાલ જે જાડા પાકીટમાં આવે છે, તેની ઉપર અહીં પારસલો વગેરે ઉપર આવેલા બ્રાઉન પેપર ચોડીને નવાં પાકીટ કરવામાં આવે છે. હું કહેતો હતો કે, આ પાકીટ આપણને બ્રાઉન પેપરની કિંમતે પડી રહે છે. બાપુ કહે : " હા, પણ પેલી ગુંદરની બાટલી ખૂંચે છે. પ્રથમ તો લાહી કરીને પછી તેમાં કંઈક મિશ્રણ નાખવાનું શોધવાનો વિચાર કર્યો, પણ પછી એમાંથી ચિત્ત ખેંચી લીધું, અને મધ્યમ માર્ગ પસંદ કર્યો." એટલે વલભભાઈ કહે : " મધ્યમ માર્ગવાળા તો લખતરમાં જઈ ને બેઠા છે.”

* **
૨૫