પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો કે, “ તમારે ડૉ. મુથુને લખવું. પણ મારું અશાસ્ત્રીય પણ અનુભવજ્ઞાન એ સૂચવે છે કે તમારે ત્રણ ઉપવાસ કરવા અને પછી ઉપવાસ દૂધ અને નારગીના રસથી છોડો. આટલું કરી જુઓ તો ફેર પડશે." આ લખાવીને કહે : " આ તો બરોબર પ્રયેાગ કરેલો છે. એક બહાદુરસિંગની ઉપર કુદરતી ઈલાજ કરેલ અને તે સારા થયા એટલે તે પોતાના મિત્ર લુટાવનસિંગને મારી પાસે લાવેલો. એ મારો અસીલ પણ ખરો. તે વેળા અસીલ એ દર્દોની વાત કરે અને એના ઉપાય પણ મારી પાસેથી મેળવે ખરા. બસ લુટાવનસિંગને મે ઉપવાસ કરાવ્યા, અને પછી ભાત, દૂધ અને નારંગીની છાલના મુરબ્બા ઉપર એને રાખ્યો. એક માસમાં એનો દમ કયાંયે ચાલ્યો ગયો. એની પાસે બીડી પણ છોડાવી હતી. ત્યાં તો અમારું મોટું શયનગૃહ હતું તેમાં પચાસેક સૂતા. એક દિવસ એવું થયું કે હું બહાર સૂતેલો અને લુટાવનસિંગ અંદર. મારી પાસે ટૉર્ચ તો રહે જ. બીડી સળગતી જોઈ અને મેં તુરત ટૉર્ચ કરી. લુટાવનસિંગ શરમાયો, મારા પગ પકડી લીધા, ' હવે કદી નહીં પીઉં', આ હરામખોર મન વશ નથી રહેતું, શું થાય ? ' એ પછી એણે બીડી નહોતી પીધી. એમ મને ભાસ છે, અને દમ તો ગયેલો જ.

* **

આજે બાપુની સૂચનાથી કૂકર, દાળચોખા વગેરે મંગાવ્યાં. વલભભાઈ કહે : " ત્રણ મહિનાની કરી ચાલતી હતી, હવે તું કેવું જમાડે છે તે જોશું." બાપુએ બહુ પ્રેમથી આ ફેરફાર સુચવ્યા પણ હાલ ચાલતાં રોટી અને બાફેલા શાક અને દૂધના પ્રયોગોમાં ફેરફાર થાય છે એ એમને ગમે છે એમ ન લાગ્યું. जानामि धर्म न मे प्रवृत्ति: જેવો પ્રસંગ આવી પડ્યો. બાપુના બાપે બાળપણમાં એમને નાટક જોવાની જેવી રજા આપી હતી તેવું તો આ ન હોય એમ ઘડીકવાર થયું !

બાપુએ From Adam's Peak to Elephanta (એડમ્સ પીક ટુ એલીફન્ટા) પૂરું કરીને સ્ટોક્સનું પુસ્તક લીધું. ભૂલ્યો, દરમ્યાન ' અનલ ’ નામનું મધ વિષેનું એક નાનકડું મૈથિલીશરણબાબુનું સુંદર પુસ્તક એક દિવસમાં પૂરું કર્યું, અને મને પણ વાંચી જવાનો આગ્રહ કર્યો.

હેમપ્રભાદેવીના સાધ્વીપણા, કુશળતા, ધીરજ, હિમ્મત અને ઉદ્યમ વિષે ગઈ કાલે જ બાપુએ નારણદાસના કાગળમાં ઉલ્લેખ કર્યો હતા. એ બહેનનો એક આર્તતા ભરેલો કાગળ આવ્યો હતો. તેમાં એ પૂછતી હતી : આ માનવદેહે પ્રભુનાં દર્શન થાય ? એને બાપુએ જવાબ આપ્યો : " મનુષ્યદેહે ઈશ્વર-સાક્ષાત્કાર થાય કે નહીં એ પ્રશ્ન ગીતાભક્તને

૩૦