પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજે ‘ આત્મકથા 'ની બાળોપયોગી આવૃત્તિનાં પ્રફ ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી મારી ઉપર આવ્યાં. બાપુએ તે વાંચવા માંડ્યાં અને તેમાં ઘણા સુધારા કરવા માંડ્યા.

બાપુએ Fors Clavigera (ફૉર્સ ક્લેવિજેરા) પણ વાંચવાનું શરૂ કર્યું. એટલા રસથી વાંચે છે કે આશ્રમને દર અઠવાડિયે મોકલવાની વાનગી એમાંથી નીકળશે એમ બાપુ આશા રાખે છે.

આજે સાંજે ચાલતાં છાપું નહોતું એટલે વાતો ચાલવા માંડી. . . .ની વાતો ચાલતી હતી. એક કાળ એવો હતો કે જ્યારે બાપુ એને ટોકે અને કહે : " તમે દરરોજ દરેક સ્થાને હું બાગી છું, હું બાગી છું, શા સારુ કહ્યાં કરો છો પ્રસંગ આવે અને કહો તો ઠીક છે, પણ હમેશા એની જરૂર નથી." . . .એ જવાબ આપ્યો : " કોણ જાણે કોઈ વાર આપણે આપણા સિદ્ધાંતથી ચલિત થઈ એ તો આપણને યાદ આપવાને માટે કામ લાગે એટલે એનું રટણ કર્યા કરવું એ સારું." આ વાત કરીને બાપુ કહે : " એ તો પેલી કુમુદ ગાતીને – ' 'પ્રમાદધન મુજ સાચા સ્વામી, એ વિણ અપ્રિય સર્વ બીજું.’ એના જેવું. પ્રમાદધન વિષે જરાય લાગણી નહોતી એટલે એનું રટણ કરીને લાગણી પેદા કરવા માંડી ! ”

આ ઉપરથી ગોવર્ધનરામ ઉપર વાતો ચાલી. બાપુ કહે : " પહેલા ભાગમાં એમણે પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે. ચરિત્રચિત્રણ એના જેવું ક્યાંય નથી; બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાય છે; ત્રીજામાં એમની કળા ઊડી ગઈ, અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું."

મેં કહ્યું : " એમનામાં ટૂંકી વાર્તા લખવાની કળા નહોતી. એમણે લખી નથી. પણ લખવા ધારત તોય ન લખી શકત. એ કળા અને સાથે જ નવલકથાની કળા ટાગોરે સાધી." બાપુ કહે : " ટાગોરની ક્યાં વાત કરીએ? એણે શું નથી સાધ્યું ? સાહિત્યનું એક ક્ષેત્રે એણે છોડ્યું છે ? અને બધાયમાં સર્વોપરિતા – એવી અલૌકિક શક્તિનો માણસ આપણે ત્યાં તો નથી જ પણ જગતમાંયે હશે કે કેમ એ વિષે મને શંકા છે.” . . . પછી વલ્લભભાઈ કહેઃ " પણ એમનું શાંતિનિકેતન ચાલશે ? એ તે હવે વૃદ્ધ થયા, અને એમની જગ્યા લેનાર કોઈ રહ્યું નથી. " બાપુ કહે : " મુશ્કેલ વાત છે ખરી. પણ એ તો કેમ કહેવાય છે ભગવાને આટલી અસાધારણ પ્રતિભાવાળો માણસ પેદા કર્યો તેનું કામ એમ ને એમ બંધ થઈ જાય એમ તો ન જ ઈચ્છયું હોય.” વલ્લભભાઈ

૩૭