પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેમને ગાંધી ન પહોંચી. શકે. હું તો બરાબર માનું છું કે આજે પણ ખ્રિસ્તી સંપ્રદાયમાં ગાંધી કરતાં ચઢિયાતા એવા અનેક મહાત્માઓ પડેલા છે; ફરક એટલો જ છે કે એમના મહાત્માપણાની એટલી જાહેરાત નથી થવા પામી. એ લોકો જે સંગ્રામ ખેડી રહ્યા છે તે લોકોની નજરે ચડે એવા સ્વરૂપના નથી એટલું જ. બાકી બ્રિટિશ સામ્રાજ્ય સાથેની રાજદ્વારી લડતમાં ગાંધી જે હિંમત અને નિષ્ઠા બતાવી રહ્યા છે તેના કરતાં એ લોકોની હિંમત અને નિષ્ઠા જરાયે ઊતરતા પ્રકારનાં નથી.”

આમ કહીને તે ઍંડ્રૂઝ અને હોમ્સ જેવા ખ્રિરતીઓની સખ્ત ટીકા કરે છે કે એમણે ગાંધીજીને ખ્રિસ્તની સાથે સરખાવીને દુષ્ટ મૂર્તિ પૂજાનો દોષ વહોરી લીધો છે.

"Idolatry consists in giving to any person or to any thing the place which belongs to our Lord."

“ જે સ્થાન અથવા પદ આપણા ભગવાન ઈશુનું છે તે સ્થાન કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને આપવું એનું નામ મૂર્તિ પૂજા.”

વાત એવી છે કે આ ખ્રિસ્તી Our Lord ' આપણા લૉર્ડ' ને ભગવાન માને છે, જ્યારે પેલા બીજા ખ્રિસ્તી માનતા નથી. એટલે જેમ ખ્રિસ્તને ઈશ્વરી અંશ માને છે તેમ જ બાપુને માને છે. આ માણસ માને છે કે ખ્રિસ્તી ધર્મની અહિંસા એ, ગાંધી જે અહિંસા શીખવે છે - ગૌરક્ષાની અહિંસા ! - તેના કરતાં ચઢિયાતા પ્રકારની છે. ખ્રિસ્તે તો Resist not evil-બૂરાઈ નો પ્રતિકાર ન કરો કહ્યું, જ્યારે આ માણસ તો Passive resistance - નિઃશસ્ત્ર પ્રતિકાર શીખવે છે. એના Non-violent resistance -- અહિંસક પ્રતિકારની પાછળ hatred - દ્વેષ રહેલો છે જ્યારે Christian Non-violence — ખ્રિસ્તી અહિંસામાં love -- પ્રેમ રહેલો છે. આ માણસ બાપુને મળ્યો હોય તો આમ ન લખે. એ. મળ્યો નથી એ જ ખામી છે. એના બધા અભ્યાસની ઊણપ બાપુના અંગત પરિચયનું અજ્ઞાન અને બાપુના હિંદુ ધર્મ વિષેના વિચારોનું અજ્ઞાન છે. અને એને જ પરિણામે એ આ ઉદ્દગારો કાઢે છે :

"Christ gave to the world a sublime moral religion; Gandhi gives to the world a new way to get your enemy down -- and as his spiritual contribution recommends the especial veneration of the cow."

" ખ્રિસ્ત દુનિયાને એક ભવ્ય નીતિ-ધર્મ આપે છે. જ્યારે ગાંધી તો દુશ્મનને શી રીતે માત કરવો એની એક નવી રીત શીખવે છે.

૪૩