પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્રેઈલ્સફર્ડનો ' ન્યૂ લીડર ’માં સારો લેખ હતો. હિંદી પરિસ્થિતિનો એણે તાદૃશ ચિતાર આપ્યા છે. ટ્રિબ્યુન’માં બેન્થોલના ખાનગી પરિપત્ર ઉપર અને ઈકબાલના મુસ્લિમ પરિષદના ભાષણ ઉપર આબાદ લેખ હતો. આ લેખ જોઈ ને બાપુએ એક બે વાર કહ્યું : " વિચારો દર્શાવનારું (views paper) ઉત્તમ છાપું ' ટ્રિબ્યુન ’ છે. ખબરો આપનારું (news paper) ઉત્તમ છાપું ‘ હિંદુ’ છે. ' ટ્રિબ્યુન ’વાળા પોતાના અગાધ અનુભવથી જે રીતે બધી વસ્તુ સમજે છે અને પૃથક્કરણ કરે છે એ બીજા બધાથી ચઢી જાય છે."

* **

" ઈકબાલનો રાષ્ટ્રીયતાનો વિરોધ બીજા મુસલમાનોમાં ભરેલો છે, માત્ર કોઈ બોલતા નથી", એમ બાપુએ જણાવ્યું. “ ' હિંદોસ્તાં હમારા'ના પોતાના ગીતનો હવે એ ઈન્કાર કરે છે." મેં કહ્યું : " એનું PanIslamism - ઇસ્લામી સામ્રાજ્ય અને શૌકત મહમ્મદનું સરખું કે નહીં ? " બાપુ કહે : " સરખું, પણ આ Antinationalism ( રાષ્ટ્રીયતાના વિરોધ )ને PanIslamism (ઇસ્લામી સામ્રાજ્યભાવના) સાથે કશો સંબંધ નથી. હું મુસલમાન પ્રથમ અને પછી હિંદી એ વાતનો હું બચાવ કરું, કારણ કે હું તો એવું કહુનારા રહ્યો ના કે હું પ્રથમ હિંદુ છું માટે જ સાચો હિંદી છું ? મહમદઅલી એ વસ્તુ ઘટાવી શકતા હતા. આ લોકોને ‘હું મુસલમાન પ્રથમ છું ?' એનો એ જૂનો અર્થ રહ્યો જ નથી. આજે તો હું મુસલમાન છું એટલે Nationalist ( રાષ્ટ્રીય ) નથી એ અર્થ થઈ રહ્યો છે."

* **

શંકરલાલના ભાઈ ધીરજલાલના મરણના ખબર આવ્યા. અમને સૌને ખૂબ આઘાત પહોંચ્યો. ધીરજલાલ જેવા આજ્ઞાધીન અને ભ્રાતૃભક્ત ભાઈને લીધે શંકરલાલ ઘરની કશી ચિંતા વિના અથવા તો ઘર છોડીને દેશને બધું સમર્પણ કરી શક્યા એ ભાઈ જવાથી શંકરલાલની ઉપર અણધાર્યો અને બહુ દુ:ખદાયક બોજો આવી પડશે એ લાગણીથી મનને બહુ ઉદ્વેગ થયો. બાપુએ એમને અને ધીરજલાલનાં વિધવાને આશ્વાસનનો તાર કર્યો.

२७-२-'३२ બાપુને પોતાની જરાય ચિંતા નથી પણ બીજાને માટે એમનો જીવ વલોવાઈ જાય છે. અહીં પુરાઈને બેઠા છતાં અહીં પણ આ વસ્તુનાં અનેક ઉદાહરણો રોજ જોવાનાં મળ્યાં જ કરે છે. 'સરદારને માટે તમે કેમ કાંઈ રાંધતા નથી ? તમારા ઉપર તો એમણે ઘણી આશાઓ બાંધેલી,' એવા મીઠો ઉપાલંભા આપીને મને રાંધવાને પ્રેર્યો. હરિદાસ ગાંધી વિષે તો મેજર માર્ટિનને લગભગ અલ્ટિમેટમ આપ્યું. બીજા કેદી ભાઈઓને કાગળ

૪૫