પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એતિહાસિક ગ્રંથ નથી. રામ, કૃષ્ણ, એ પાત્રો હતાં, પણ કોઈ સંપૂર્ણ પુરુષ નહોતા. બધા પોતાના કાળના મહાપુરુષો. તેમના ગુણો તે કાળના લોકોએ દશગણા અને સોગણા કરીને વર્ણવ્યા. એક પણ શુભ કાર્ય કરીને તેનો ગુણાકાર કરીને જ લોકો વર્ણવવાના. એમ જ આપણા અવતારી પુજ્યો વિષે થયું છે, એમ જ ઈશુનું, મહમદનું. મેં પેલા અમેરિકન પાદરીના લેખની ચર્ચા ઉપાડી. બાપુ કહે : " મેં કદી કહ્યું જ નથી કે હિંદુ ધર્મની ઉત્તમોત્તમ વ્યક્તિ એ ખ્રિસ્તી ધર્મની ઉત્તમોત્તમ વ્યક્તિ કરતાં ચઢી જાય. એટલે જ હિંદુ ધર્મને કોઈનો ધર્મ નીચો માનવાપણું નથી કે તેને ધર્મ છોડાવવાપણું નથી. ખ્રિસ્તીઓ ઈશુને ભગવાન માને છે અને કોઈ પણ માણસની ઈશુની સાથેની તુલના અથવા કોઈ પણ વ્યક્તિ વિષે ઈશુના ગુણનું આરોપણ, એને મૂર્તિ પૂજા માને છે. મુસલમાનો મહમદને ઈશ્વર નથી માનતા, અને કોઈ વસ્તુ કે વ્યક્તિમાં ઈશ્વરનું આરોપણ કરવું એને મૂર્તિપૂજા માને છે. એ વાત સાચી છતાં એ લોકો પેગંબરની મૂર્તિ પૂજા જ કરે છે. અને જ્યાં સચરાચર એનાથી ભરપૂર છે ત્યાં કેાઈ વસ્તુ અથવા વ્યક્તિ ઉપર ભગવાનના આરોપણની વાત ક્યાં રહી ? વ્યક્તિમાત્રમાં ઈશ્વરી અંશ છે, કોઈનામાં ઓછો, કોઈનામાં વત્તો. પેલો અમેરિકન અહિંસાનો અર્થ નથી સમજ્યો, અને ઈશુના Resist not evil ' બૂરાઈનો પ્રતિકાર ન કરો’નો ભાવ પણ નથી સમજ્યો. Love thy enemies ' તારા દુશ્મન ઉપર પ્રેમ કર' એ nonresistance 'અપ્રતિકાર'નો positive aspect સક્રિય પ્રકાર છે. Resist evil by good બૂરાઈનો ભલાઈથી પ્રતિકાર કર એવું વાક્ય બાઈબલમાં ક્યાંય છે એમ મને યાદ નથી.” (મારું કહેવું એવું હતું કે એવું બાઈબલનું એક વચન મને યાદ છે.)

* **

આજે મુસ્લિમ પરિષદ ઉપરનો એક સરસ લેખ ' ટ્રિબ્યુન’માં આવેલ. તે વાંચી સંભળાવવામાં આવતાં બાપુ કહે : " Long live Kalinath Roy ઘણું જીવો કાલીનાથ રૉય. એ માણસના લેખો આજકાલ કોમી પ્રશ્ન તથા અસ્પૃશ્યોને માટે સંયુક્ત મતદાર મંડળ જેવા પ્રશ્નો વિષે બહુ અનુભવ અને જ્ઞાનપૂર્ણ આવે છે. "

* **

આજે ઇમર્સનને કાગળ લખ્યો કે જમીનો વેચવામાં આવશે અને પાછી ન આવે એમ મુંબઈ સરકારે જાહેરનામું કાઢ્યું છે; પણ તમને યાદ આપું છું કે ગયે વર્ષે આપણે સુલેહની ગોષ્ઠી કરતા હતા ત્યારે અર્વિને કહેલું કે હવે ભવિષ્યમાં આવા પ્રસંગ આવે તો જમીન વેચવી ન જોઈએ

૪૭