પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

Painters, (મોડર્ન પેન્ટર્સ,) Stones of Venice, (સ્ટાન્સ ઑફ વેનિસ) આદિ પુસ્તકો લખ્યાં. પછી એને લાગ્યું કે, સૌદર્યની ઉપાસના એ સરસ વસ્તુ છે, પણ આસપાસ દુ:ખ, દારિદ્ર્ય અને કુસંપ હોય ત્યાં સૌદયને શી રીતે માણી શકાય ? એટલે એણે પોતાની કલમ dipped in blood and tears લોહી અને આંસુમાં બોળી અને Unto this Last (અન્ટુ ધિસ લાસ્ટ’–‘સર્વોદય’ લખ્યું. જે ટીકા ટૉલ્સ્ટોય ઉપર થઈ તે રસ્કિન ઉપર પણ થઈ.” બાપુ કહે : “ એ તુલના અમુક હદ પછી નથી ચાલતી. કારણ ટૉલ્સ્ટોયે તો કલાજીવનને એટલે પોતાના ભૂતકાળને વખોડ્યો, તેનો ઇનકાર કર્યો, જ્યારે રસ્કિને તો પોતાના કળાજીવનના ઉપર Unto this Last (અન્ટુ ધિસ લાસ્ટ) અને ફૉર્સ (Fors) લખીને કળશ ચઢાવ્યો.” મેં કહ્યું : “ એ તો ટૉલ્સ્ટોય વિપ્લવકારી હતો માટે એણે જીવનમાં પણ પરિવર્તન કર્યું. અને રસ્કિન વિચાર બતાવીને બેસી રહ્યો.” બાપુ કહે : “ એ તો મોટો ભેદ છે ના ? ટૉલ્સ્ટૉયનું જીવનપરિવર્તન રસ્કિનમાં નથી.” વલ્લભભાઈ કહે : “ પણ આજે રસ્કિનનું નામ કોઈ વિલાયતમાં લેતું નથી ખરું ના?” બાપુ કહે: “ હા, નથી લેતા, પણ રસ્કિન ભુલાય એમ નથી. એનો કાળ આવી રહ્યો છે. જેણે રસ્કિનને ન સાંભળ્યો અને તેને વિષે બેદરકાર રહ્યા તે રસ્કિન તરફ પાછા વળે એવો સમય આવી રહ્યો છે.”

* **

તિલકન નામના વિદ્યાર્થી જે આશ્રમમાં આવેલ છે તેને લખ્યું :

"Vanity is emptiness : Self-respect is substance. No one's self-respect is ever hurt except by self, vanity is always hurt from outside.

"In the phrase 'Seeing God face to face', 'face to face' is not to be taken literally. It is a matter of decided feeling. God is formless. He can therefore, only be seen by spiritual sight-vision."

" ફૂલણજી૫ણું - ગુમાન એ પોલું છે. સ્વમાન એ નક્કર છે. કોઈનું પણ સ્વમાન બીજાથી હણી શકાતું નથી. સ્વમાન હણાય તો તે પોતાનાથી જ હણાય છે. જ્યારે ગુમાનને હમેશાં બહારથી આધાત લાગે છે, બીજા તેને હણી શકે છે.

ઈશ્વરને સાક્ષાત્ જોવો એ પ્રયોગમાં 'સાક્ષાત્'નો અર્થ અક્ષરશઃ લેવાનો નથી. એ પ્રયોગ તો આપણી ભાવનાની નિશ્ચિતતા બનાવવા માટે છે. બાકી ઈશ્વર તો નિરાકાર છે. એ જોઈ શકાય તો આધ્યાત્મિક અતર્દષ્ટિથી જ જોઈ શકાય.”

૫૨