પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સચિત્ર પુસ્તકો ખરીદવા તે ઘણાં વર્ષોથી પૈસા બચાવ્યાં કરતો હતો. રશિયાના એક છેડેથી બીજે છેડે સુધી તદ્દન ભોળી શ્રદ્ધાવાળાં, અને કર્મઠ ધર્મનું કડકાઈથી પાલન કરનારાં આવાં કરોડો ભાવિક સ્ત્રીપુરુષો પડેલાં છે.”

કૅપ્ટન કોની અને એડમિરલ કોલચેકનાં ચિત્રો જીવનથી તરવરે છે. એણે જાપાનમાં જીતેલી તલવાર બોલ્શેવિકો એની પાસે લેવા જાય છે અને એ દરિયામાં ફેંકી દે છે તેનું વર્ણન તથા એના મરણનું વર્ણન બહુ વાંચવા જેવું છે. નાટકનો છેલ્લો અંક ઈર્કુટસ્કમાં ભજવાયો. બોલ્શેવિકોએ ત્યાં મુકદ્દમો ચલાવવાના તમાશો કર્યો. જે સાક્ષીઓના પુરાવા નોંધાયા છે તેમના શબ્દોમાં જ એનો હેવાલ હું આપીશ :

". . . . ઉપલી કોર્ટની તપાસમાં જજને પૂછવામાં આવ્યું, ‘તમારી આગળ જુબાની આપતી વખતે તેના ચહેરા ઉપરના ભાવ કેવાં હતા ? ' ઉ૦ – યુદ્ધમાં હારેલા અને કેદી બનેલા સેનાપતિની અદાથી મારી આગળ તે ઊભો હતો. એની પોતાની દૃષ્ટિએ એ સંપૂર્ણ ગારવથી વર્તતો હતો. પોતાના કોઈ પણ મિત્રને તેણે ફસાવ્યો નથી.”

જ્યારે એને મોતની સજા ફરમાવવામાં આવી ત્યારે અદાલતને એણે સવાલ પૂછયો : “ ન્યાયની અદાલતનો આ ફેસલો છે કે લશ્કરી દૃષ્ટિએ કરેલ હુકમ છે ? ” જ્યારે ગોળીબાર કરનારી ટુકડી આવી પહોંચી ત્યારે બરફ ઉપર પગના અંગૂઠાથી તેણે લખ્યું : “ છેલ્લી સલામ."પછી એણે સિગાર સળગાવી અને મોતને ભેટવા તૈયાર થઈ ગયો.

જજે કબૂલ કર્યું: “ આ બધો વખત તે વીરની માફક વર્ત્યો.”

"જલ્લાદ આગળ પણ? ”

"એમાં શું શક છે ?”

તેના મરણસમાચાર મોસ્કો પહોંચ્યા, ત્યાં એક રસ્તે જનારાએ એને વિષે કાંઈક અપમાનભર્યા શબ્દો ઉચ્ચાર્યા.

બીજો રસ્તે જનાર તેની સામે તડૂક્યો, “ તમારે કોલચેકનું ભૂંડું ન બોલવું જોઈએ. એ આપણી સાથે લડ્અયો અને તેને મારી નાખવો પડ્યો. પણ એ સુંદર માણસ હતો.”

આંતરવિગ્રહ દરમ્યાન ગુજારવામાં આવેલા સિતમ બાબત તેની ઉપર બિનપાયાદાર આક્ષેપ મૂકવામાં આવ્યા ત્યારે તે ઘસીને ફેકી દેતાં લેનિન બોલેલો : કોલચેકનો વાંક કાઢવો એ મૂર્ખતા છે. પ્રજાતંત્રનો આ બહું બેહૂદો બચાવ કહેવાય. જે સાધનો એને મળી આવ્યાં તે સાધનો વડે કોલચેકે કામ કર્યું.”

૫૬