પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ પછી રશિયાના ગ્રાન્ડ ડયુક સર્જની પત્ની અને હેસ ડાર્મસ્ટાટ (જર્મની)ની રાજકુંવરી ઈલિઝાબેથનું વર્ણન કરે છે, એ અપૂર્વ સુંદરતાભર્યું છે. એના પિતા હેસ ડાર્મસ્ટાટને ગ્રાંડ ડયુક ચોથો એ જર્મન અને માતા અંગ્રેજ - ઈગ્લેંડની રાણી વિકટોરિયાની દીકરી રાજકુંવરી એલિસ. એનાં માતાપિતાનું જીવન સુંદર, સરળ અને નિર્મળ હતું. રજવાડાના કરતાં એક સુશીલ કુટુંબના સંસ્કાર એનામાં નાખવાના પ્રયત્ન માબાપોએ કર્યો હતો. તેઓ કુલ ચાર બહેનો હતી. તેમાંથી ઇલિઝાબેથ સને ૧૮૮૪માં રશિયાના ગ્રાન્ડ ડયુક સર્જને પરણી અને નાની બહેન ઝાર નિકોલસને પરણી. ગ્રાંડ ડયુક ઝારનો કાકો થાય. ઇલિઝાબેથને સેમ્યુઅલ હોર બે વાર મળેલો : એક વાર ગ્રાંડ ડયુક સર્જ મોસ્કોનો ગવર્નર હતો ત્યારે મોસ્કોની રાણી તરીકે અને બીજી વાર ભિક્ષુણી તરીકે, એક મઠની અધ્યક્ષા અથવા કુળમાતા તરીકે. “ ગ્રાંડ ડચેસને મળીને બહાર આવતાં મને મનમાં થયું કે અમને કેવળ એક સંતનાં જ નહીં પણ ખ્રિસ્તી સમાજની ભારે સેવા કરનાર એક મહાવિભૂતિનાં દર્શન થયાં હતાં. ત્યાં ઇસ્પિતાલ, દવાખાનાં, અનાથાશ્રમ, શાળાઓ, ક્ષયના રોગીઓ માટેનાં આરોગ્યાલય, નર્સોને તાલીમ આપવાનાં કેન્દ્રો, એવી અનેક સંસ્થાઓ આ ઉદાત્ત બાઈની પ્રેરણાથી અને તેની દેખરેખ નીચે ચાલતી.

"પણ શાથી એ રાજકુંવરી મટી ભિક્ષુણી બની ? એનું લગ્ન સુખી હતું. ગ્રાંડ ડયુક સર્જનો પિતા ઝાર અલેકઝાંડર બીજો, એણે કિસાન-ગુલામ (Serfs) ને મુક્તિ આપી હતી અને એનું ખૂન કેાઈ અરાજ્યવાદીથી થયેલું. પછી નિકોલસ ઝાર થયો ત્યારે એ મોસ્કોના ગવર્નર હતા. જાપાની લડાઈમાં હાર્યા પછી એણે નિકોલસને કહેલું કે પ્રજાથી હારીને કે પ્રજાના જોરને વશ થઈને નહીં પણ ઉદારતાના ચિહન તરીકે પ્રજાને ધારાસભા આપો. રાજાએ એ સલાહ ન માની એટલે એણે રાજીનામું આપેલું. રાજીનામું આપીને એ મોસ્કો છોડવાની તૈયારીમાં હતો, સરસામાન બધે સ્ટેશને રવાના થઈ ગયો હતો. ત્યાં એક ત્રાસવાદીએ આવી સર્જનું ખૂન કર્યું. આ ખૂન થયું ત્યારે ઇલિઝાબેથ તો મંચૂરિયાના લશ્કર માટે મોસ્કોમાં ખોલવામાં આવેલા એક સેવાકેન્દ્ર પર જવાની તૈયારીમાં હતી. ત્યાં તો એણે ક્રેમલિનના રાજમહેલના એક ખંડની બારીઓ ધડાકા સાથે એક બોમ્બથી ઉડતી સાંભળી. પોતાના પતિને એણે મરેલો જોયો. ગાડીના ચૂરેચૂરા થઈ ગયા હતા અને ગાડીવાન ઘાયલ થયો હતો.”

સર્જનું ખૂન કેમ થયું, એના ખૂનમાં કાનું કાવતરું હતું એ આબતની હૃદયવેધક વિગતો હોર આપે છે. આમાંનો એક ખૂની આઈઝેવ

૫૭