પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાલીવ : “ મારે તમારું ખૂન કરવું નહોતું. મારા હાથમાં બોમ્બ સાથે મેં ઘણી વાર તમને તમારા પતિ સાથે જોયેલાં, પણ તમે સાથે હો એટલે મેં બોમ્બ નાખેલો નહીં.”

ઈલિઝાબેથ : "પણ ભલા, તને એમ ન થયું કે એનું ખૂન કરતાં તું મને પણ મારી જ રહ્યો હતો ? એ નિર્દોષને મારતાં તારા હૃદયમાં જરાયે અરેરાટી ન છૂટી ? પણ થયું તે થયું. હવે તારું મરણ નજીક છે. તું પશ્ચાત્તાપ કર. પ્રભુની દયા યાચ, તારે માટે આ બાઈબલ લાવી છું.”

ઈલિઝાબેથે એના હાથમાં બાઈબલ મૂક્યું ત્યારે તેના પતિનું ખૂન કરનારે ઇલિઝાબેથના હાથમાં પોતાની ડાયરી મૂકી અને કહ્યું : “ હું બાઇબલ વાંચીશ. તમે મારી ડાયરી વાંચજો. એ ડાયરીમાં મારે ખૂન કેમ કરવું પડયું, અમારા ધ્યેયની આડે આવનારાઓનો નાશ કરવાની પ્રતિજ્ઞા મેં કેવી રીતે લીધી અને પાળી એ તમે જોશો.”

બનેએ એકબીજાની વિદાય લીધી. પેલો જુવાન અડગ હૈયે મોતને ભેટયો. બન્ને વચ્ચે- ખૂની અને તેના બલિની વચ્ચે-બાહ્ય દૃષ્ટિએ મોટો દરિયો પડેલો દેખાય. પણ કદાચ એ ખૂનીના અંતરમાં - કારણ એ નાસ્તિક નહાતો - પેલી ખ્રિસ્તી બાઈ જે એને પશ્ચાત્તાપ કરવાનું કહેતી હતી તેની સાથે વધારે ગાઢ સમભાવ હતો.

એ યુવકે ન્યાયાધીશ આગળ કહ્યું : “ મારે કશો બચાવ કરવાનો નથી. મેં ગ્રાંડ ડયુકની વિધવા આગળ મારું હૃદય ખોલીને વાત કરી છે. એ પોતે જ એની સાક્ષી પૂરશે.”

હવે એક ત્રીજા ત્રાસવાદીનું ચિત્ર જુઓ. જે માણસે આવાં ચિત્રો ખેંચ્યાં છે તે બંગાળને નહી સમજી શકતો હોય ?

“ આ ભેદી માણસ—બોરિસ સાવિયાકોવ કરતાં વધારે ઊંડી છાપ મારા દિલ ઉપર બીજા કોઈ એ પાડી નથી. એ પ્રખર વિચારક હતો. એની દલીલ આગળ રૂઢ રીતરિવાજો, પ્રચલિત વિચારપ્રણાલિકાઓ વગેરેના ભાંગીને ભુક્કા થઈ જતા. એ હૃદયવેધક લેખક હતો. વાંચનારાના દિલમાં અલૌકિક ભાવોની ભૂતાવળ જગાવી શકતો. એ અઠંગ સાહસિક હતો. ગમે તેવાં ભયંકર કાવતરાંમાં એ આગેવાન હોય. એવો આ અકલાંત યોજકના જાદુની સામે બહુ થોડા ટકી શકતા. એનો ભાઈ સાવિનકોર તથા એ, સેન્ટ પિટર્સબર્ગની યુનિવર્સિટીમાં ભણતા. ત્યાંથી એ બન્નેને બીજા ઘણાએાની સાથે કઝાન ચોકમાં રાજ્યવિરોધી દેખાવ કરવા માટે પોલીસે પકડયા. લંડનના વિદ્યાર્થીઓ સ્ટ્રેન્ડ આગળથી પાકારો કરતા ઘણી વાર જાય છે તેથી વિશેષ કશું આ જુવાનોએ કર્યું ન હતું. પણ સેન્ટ પિટર્સબર્ગમાં તો આવા

૬૦