પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હસવામાંથી ખસવું થઈ ગયું. એ યુવાનેાનો બાપ ન્યાયાધીશ હતો. તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો અને એ ગાંડો થઈ ને મરી ગયેા. મોટાભાઈને સાઈબિરિયામાં દેશનિકાલ કરવામાં આવ્યો, જ્યાં એણે આપઘાત કર્યો. બોરિસ જેલખાનામાંથી નાસી છુટીને ફાંસીમાંથી બચવા પામ્યો. જરાક મોટું ટોળું ભેગું થયું, થોડો ઘોંઘાટ થયો અને બે યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ ઉદ્દંડતા બતાવી, તેમાંથી એક સુખી કુટુંબ દયામાયાવિહીન ચક્કરમાં સપડાઈ ગયું ! એક દીકરો બચ્યો તે દિલમાં ઝેર અને હાથમાં બોમ્બ સાથે રસ્તે ભટકતો થઈ ગયો. . . . દસ વરસ સુધી કેટલાંયે ભયંકર કાવતરાંઓમાં એનું નામ સડાવાયાં કર્યું. વર્ષો વીતતાં કાવતરાંમાંના પોતાના સાથીઓના રૂઢ થઈ ગયેલા પોપટિયા શબ્દોથી તેનું તેજ અને સૂક્ષ્મ લાગણીવાળું ચિત્ત અસ્વસ્થ થઈ ગયું. એણે પોતાની જાતને પૂછવા માંડયું કે આ ખૂનખરાબીથી શું વળે ? હિંસા કરવી એ વાજબી છે કે વાજબી નથી? જો હિંસા વાજબી હોય તો યુદ્ધમાં સામા માણસને મારવા અને ખૂન કરવું એ એમાં કશો તફાવત છે ખરો ? જો હિંસા વાજબી ન હોય, તો પછી યુદ્ધો, સામાન્ય ખૂન અને ગ્રાંડ ડ્યુકોના જાન લેવા એ બધું સરખું જ ખોટું ગણાયને ?' પેાતાની આ શંકાઓ અને પોતાનાં હૃદયમંથનો એણે પોતે જ પોતાનાં એ વિલક્ષણ પુસ્તકો ' ધ પેલ હોર્સ' ( The Pale Horse ) અને ' ધ ટેલ ઓફ વોટ વોઝ નોટ' (The Tale of What was Not) એમાં બહુ આબેહુબ વર્ણવ્યાં છે. ગ્રાંડ ડયુકના ખૂન વખતે એ માણસ આ મંથનમાંથી જ પસાર થઈ રહેલો હતો. ઘણા રશિયન વિપ્લવવાદીઓની માફક તે પણ વિનીત બનતો જતો હતો. . . . પછી તો તેણે પોતાનું તમામ બળ બોલ્શેવિક ચળવળની સામે વાપરવા માંડયુ. આ માણસ હોરની ટ્રેનમાં એક વાર હતો. એ જ તરવરાટ, એ જ લાગણીની સૂક્ષ્મતા, એ જ બુદ્ધિના ચમકાર અને એ જ, એક વિષયમાંથી બીજા વિષયમાં પ્રવેશ કરવાનું લગભગ બિલાડીના જેવું ચાપલ્ય. પાછળથી કોઈ સ્ત્રીએ એને ભોળવ્યો. રશિયા ગયો. ત્યાં કેસ ચાલ્યો. એણે પોતાના આગલા સાથીઓને ફસાવ્યા, અને પોતે સોવિયેટના વિરોધી હોવા નાકબૂલ કર્યું. છેવટે કેદખાનાની બારીમાંથી પડતું મૂકી એણે આપઘાત કર્યો. આ વિચિત્ર કથા એને સારામાં સારી રીતે ઓળખનારાના પણ માન્યામાં આવતી નથી.” આટલી વાત કરીને હોર પાછા ઇલિઝાબેથની વાત પર આવે છે. “ એણે પોતાનાં ઘરેણાંગાંઠા -લગ્નના મંગળસૂત્રરૂપ વીંટી સુધ્ધાં વેચી નાખ્યાં. તેમાંથી ત્રીજો ભાગ રાજ્યને આપ્યો, ત્રીજો ભાગ સગાંવહાલાંને આપ્યો અને ત્રીજો ભાગ ધર્મકાર્યોને માટે - ઇસ્પિતાલ, દવાખાનાં, અનાથાશ્રમો,

૬૧