પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તરફ ગયું. ત્યાં રશિયાને માટે દરેક પ્રકારનું યુદ્ધકાર્ય થતું હતું. છતાં એની સંસ્થાને દુશ્મન પ્રવૃત્તિનું કેન્દ્ર માનવામાં આવ્યું. એક વાર મવાલીઓનું એક ટોળું આશ્રમને બાળવા માટે ચઢી આવ્યું. મોસ્કોના મેયર ત્યાં જઈ પહોંચ્યા અને મવાલીઓને સંસ્થા બાળતા અટકાવ્યા. એની બહેન ઝારની રાણી હતી. તેને એ હંમેશાં સારી સલાહ આપતી. પણ એ રાસ્પુટીનના પંજામાં ફસાઈ હતી. એની સલાહને એણે જોઈ એ તેવો લાભ ન લીધો. પછી તો બે બહેનોનો ઝાઝો મેળાપ ન થતો.

૧૯૧૭માં જ્યારે વિપ્લવ ફાટી નીકળ્યો ત્યારે મોસ્કોના મવાલીઓને ફરી પાછી ઘૂમરી ચડી આવી. તોડેલાં કેદખાનામાંથી છૂટેલા કેદીઓ અને બીજા મવાલીઓ એને જર્મન જાસૂસ તરીકે પકડવા એની સંસ્થાને ઘેરી વળ્યા. એ ભલી બાઈ બહાર આવીને પેલાં ટોળાં સામે ઊભી રહી અને એમને કહેવા લાગી કે “ તમારે શું જોઈએ છે ? જે જોઈતું હોય તે અંદર આવીને લઈ જાઓ. અહી કશાં હથિયાર, દારૂગોળો કે જાસૂસને સંતાડેલા નથી. હોય તો શોધી કાઢો અને સુખેથી લઈ જાઓ. પણ ખબરદાર, પાંચ માણસથી વધારેએ અંદર પેસવાનું નથી.”

ટોળાંએ સામા પોકાર કર્યા : “ અમારે કશું સાંભળવું નથી. અમારે તો તમને પકડવાં છે. ચાલો અમારી સાથે.”

ઈલિઝાબેથે સ્વસ્થ ચિત્તે ઉત્તર વાળ્યો : “હું આવવા તૈયાર છું. પણ આ સંસ્થાની હું કુળમાતા છું. એટલે મારે બધા કામકાજની રીતસર સુપરત કરી દેવી જોઈએ."

આમ કહીને બધી બહેનોને પ્રાર્થનામંદિરમાં ભેગા થવાનું કહ્યું, પેલા ટોળામાંથી પાંચ જણાને હથિયાર બહાર રાખીને અંદર આવવા દીધા. એમને ઈશુના ક્રૂસ પાસે લઈ ગઈ. તેઓ મંત્રમુગ્ધ જેવા એ જ્યાં લઈ ગઈ ત્યાં ગયા અને બાઈની સાથે ક્રૂસ આગળ પગે પડયા. પછી બાઈએ તેમને કહ્યું “ હવે જોઈએ તે શોધી લો અને લઈ જાઓ.” પેલાએાએ આમતેમ ખેાળાફંફોળા કર્યા અને પછી બહાર નીકળીને કહ્યું, “ અરે, આ તો ઠાલો એક આશ્રમ છે આશ્રમ. બીજું કશું જ અહીં નથી.”

આ વાવાઝોડું તો આવ્યું અને ગયું. રશિયામાં ઝારના ભાગી ગયા પછી પ્રજાએ સત્તા હાથમાં લીધી હતી. પણ જે પક્ષના હાથમાં સત્તા હતી તેનાથી પ્રજામાંના બીજા ઉગ્ર પક્ષને સંતોષ નહોતો. એટલે પ્રથમ પક્ષવાળા જેમણે કામચલાઉ રાજ્યસત્તા સ્થાપી હતી તેઓ ઈલિઝાબેથને આવીને કહેવા લાગ્યા, “પ્રજા પાગલ બની છે અને તમારે જો બચવું હોય તો આશ્રમ છોડી ક્રેમલિનના રાજમહેલમાં ચાલો. ત્યાં તમે વધુ સુરક્ષિત રહેશો.”

૬૩