પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સારું જ છે. પણ મને તો એમ થાય એ પણ ભય નથી. રામે રોલાં જેવા માણસા તો મારું પગલું સમજશે. અને એ પણ ન સમજે તો શું ? મારે તો ધર્મનો વિચાર કરવો રહ્યો ના ? ” મેં કહ્યું : “ દમન વિષે અનશન જગત સમજી શકે પણ આ અસ્પૃશ્યવાળું કદાચ ન સમજે. અંગ્રેજો જગતને સમજાવવાનો પ્રયત્ન કરશે કે બધા અસ્પૃશ્યોની અથવા મોટા ભાગના અસ્પૃશ્યોની માગણી જુદા મતમંડળ માટે હતી. વળી અસ્પૃશ્યોને જુદાં મતમડળ આપીને પ્રજા શરીર ઉપર ભયંકર કુહાડો મારવામાં આવે છે એ તમે આમાં વધારે સ્પષ્ટ કરો એમ હું માનું. જોકે ઘણાં પ્રામાણિક અંગ્રેજો પણ આ સમજી નથી શકવાના.” બાપુ કહે : “ આના કરતાં વધારે સ્પષ્ટ કરવા જઈ એ તો મુસલમાનોના આ કાર્ય વિષેનો હિસ્સો વર્ણવવા જોઈએ. તેમાં મુસલમાન સાથે વેર વધે. એ તો પેલા ૨૧ દિવસના ઉપવાસ વખતે થયું અને મહમદઅલીએ કેટલાંક વાક્યો કઢાવી નાખ્યાં હતાં એના જેવું થયું.' મેં કહ્યું : “ હિંદુ સમાજે જે પાપ કર્યું છે તે પાપના કરતાં પણ આ પાપ ભયંકર કહેવાય કે એની સામે અનશન કરવું પડ્યું ? એમ કેટલાક કહેશે.' બાપુ કહે : “ હિંદુ સમાજનું પાપ સમાજ પાસે ધોવડાવી રહ્યા હતા. આ કૃત્ય તો એ પાપને કાયમી કરવી જેવું છે અથવા તો એને ન ધોવા દેવા બરાબર છે. દેશમાં આંતરવિગ્રહ કરાવવા સિવાય આમાંથી બીજું પરિણામ જ ન આવે, — હિંદુ સ્પૃશ્યો અને અસ્પૃશ્યો વચ્ચે અને હિંદુ અને મુસલમાનો. વચ્ચે.”

વલ્લભભાઈ કહે : “ મારી તો હજી ના છે, પણ હવે તમને જેમ યેાગ્ય લાગે તેમ કરો.”

બાપુ કાગળ સુધારવા બેઠા, અને સુધારીને સૂઈ ગયા.

રાત્રે ૧ર-૧ વાગ્યા સુધી મને ઊંઘ જ ન આવે. પોણા ચારે પ્રાર્થના માટે જાગ્યા. મોં ધેાઈ કરીને પ્રાર્થના માટે બેઠા ત્યારે બાપુએ પ્રાર્થનાનો ક્રમ સંભળાવ્યો : " વલભભાઈની પાસે શ્લોકો બોલાવીએ છીએ. એમને સંસ્કતનું જરાય જ્ઞાન નહીં એટલે અશુદ્ધ ઉચ્ચારો બહુ હતા. એટલે મેં વિચાર કર્યો કે આ ઉચ્ચારો સુધારવાનો આ સિવાય બીજો રસ્તો નથી. તમે જોશો કે બહુ ફેર પડી ગયો છે. ભજન હું બોલતો હતો, મોઢે તો મળે જ નહીં, એટલે અમે તો એક પછી એક ભજન લઈને વાંચવા માંડ્યાં. આજે મરાઠી શરૂ કરવાના હતા. હવે તમે રામધૂન અને ભજન ચલાવો.” મેં રામધુન ચલાવવાનું બાપુને જ કહ્યું. આ વાત તો રાત્રે થઈ. મેં પહેલું ભજન "પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો ” ગાયું. એ વિના મારાથી બીજું શું ગાઈ શકાય ?