પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

no scientific medical help. I am sorry to say, however, that I am not always able to carry out my belief into practice. It is my constant endeavour to do so. But I find it very difficult, being in the midst of temptation, to enforce my belief in full."

" મને ઘણા ખ્રિસ્તી સાયન્સવાળા મિત્રો મળ્યા છે. તેમાંના કેટલાકે મને મિસિસ એડીનાં પુસ્તકો વાંચવા મોકલ્યાં છે. એ બધાં હું વાંચી શક્યો નથી પણ ઉપર ઉપરથી હું નજર ફેરવી ગયો છું. એ પુસ્તકો મોકલનાર મિત્રાએ આશા રાખી હશે એવી છાપ એ પુસ્તકોની મારી ઉપર નથી પડી. હું બચપણથી જ એવું શીખ્યો છું અને અનુભવથી એ શિક્ષણના સાચાપણાની મને પ્રતીતિ થઈ છે કે આધ્યાત્મિક શક્તિઓ અથવા સિદ્ધિઓનો ઉપયોગ શરીરનાં દરદ મટાડવા માટે ન કરવો જોઈએ. જોકે દવાઓ અને ઓસડિયાંથી માણસે પરહેજ રહેવું જોઈએ એમ હું માનું છું. પરંતુ એ તો કેવળ આરોગ્યસંરક્ષણની શારીરિક દૃષ્ટિએ જ, વળી હું ભગવાન ઉપર પૂરો ભરોસો રાખવામાં માનું છું, એવી આશાથી નહીં કે એ મને સાજો કરે પણ એટલા માટે કે તેની ઇચ્છાને આધીન થવું અને ગરીબોના દુ:ખમાં ભાગીદાર થવું – એવા ગરીબ જેમની ખૂબ ઈચ્છા હોવા છતાં જેમને શાસ્ત્રીય દાક્તરી મદદ મળી શકતી નથી. પરંતુ મારે દિલગીરી સાથે કહેવું જોઈએ કે મારી આ માન્યતા હું હમેશાં અમલમાં મૂકી શકતો નથી. મારો પ્રયત્ન હમેશાં એ દિશામાં હોય છે ખરો, પણ અનેક પ્રલોભનની આડે હું તેનો પૂર્ણતાએ અમલ કરી શકતો નથી.”

આ વખતના કાગળમાં બહુ મહત્ત્વનો કાગળ બહેનોને ઉદ્દેશીને હતો. એ તો આખેય ઉતારવા જેવો છે. એમાં પણ ઉત્તમોત્તમ ભાગ આ છે : " એક મોટામાં મોટો દોષ બહેનોમાં જે છે, એ પોતાના વિચારો આખા જગતથી છુપાવવાનો છે. તેથી તેનામાં દંભ આવી જાય છે. અને અસત્ય જેનામાં ઘર કરે તેનામાં જ દંભ આવી શકે છે. દંભના જેવી ઝેરી વસ્તુ આ જગતમાં હું કોઈ જાણતો નથી. અને તેમાં પણ હિંદુસ્તાનની મધ્યમ વર્ગની સ્ત્રી જે સદાય દબાયેલી રહે છે તેનામાં દંભ, આવે છે એ તો તેને કાનખજૂરાની જેમ કોરી ખાય છે. ડગલે ને પગલે પોતાને ન ગમતું હોય એવું એ કરે છે, અને કરવું પડે છે એમ તે માને છે. જરાક સમજી લે તો તે જાણે કે આ જગતમાં કોઈથી દબાવાનું કારણ તેને નથી. તે જેવી છે. તેવી આખા જગતની પાસે હિમતપૂવક ઊભી રહેવાને તૈયાર થાય અને આ પહેલા પાઠ શીખી લેતોતે બીજા કારણો મેં જે બતાવ્યાં છે તેને પહોંચી વળે.”

૭૨