પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈશ્વર શું નથી કરી શકતો ? હરિલાલમાં કંઈ પુણ્ય રહ્યું હશે તો તે ઊગી નીકળશે. આપણે તેને પંપાળીએ નહીં. ખોટી દયા ન ખાઈએ અને વધારે ને વધારે પવિત્ર થતાં જઈએ તો તેની અસર હરિલાલ ઉપર પણ થાય જ. તારે કઠણ હૃદય કરવાનું છે. હરિલાલને લખી નાંખવું જોઈએ કે જ્યાં લગી તે દારૂ ન છોડે ત્યાં લગી તું નથી જ એમ સમજે. આપણે બધાં એ રસ્તો લઈએ તો હરિલાલ ચેતે. દારૂડિયો એને બહુ આઘાત પહોંચે છે ત્યારે ઘણી વાર પોતાની કુટેવ છોડે છે.

‘‘ પરણવા વિષે તેં જવાબ આપ્યો તે મને ગમે છે. એ નિશ્ચયને વળગી રહેશે તો તારું સારુ જ થશે. તું છેક બચપણમાં તો એવી માંદી હતી કે તારા બચવાની આશા જ ન હતી. એ વખતની બાની ભારે સેવા અને ડૉક્ટરના ઈલાજથી તું બચી ગઈ. પણ એ માંદગીને લીધે તું પાંચ વર્ષ તો મુદ્દલ વધી જ નહીં', એમ કહી શકાય. હજુ નબળી તો છે જ. બલિ તારી સંભાળ રાખે છે, તે ન રાખે તો માંદી પડે જ. એટલે હું તો તારી ઉંમરમાંથી હું હંમેશાં પાંચ વર્ષ બાદ ઓછામાં ઓછાં કરું છું. આપણે તો સ્ત્રીને પરવાનો વહેલામાં વહેલો કાળ ૨૧ વર્ષનો ગણ્યો છે. એટલે તે જે ઉંમર આંકી છે તે બરાબર છે. ૨૫ વર્ષે માંડ પરણવા લાયક ગણું. પણ મારે કાંઈ તને બાંધી લેવી નથી. જે વિચાર તું આજે રાખે છે તે બરાબર છે, એટલું જ જણાવવા સારુ આટલું લખ્યું છે. રામીએ વહેલા પરણવાનો આગ્રહ રાખ્યો તો હું વચ્ચે ન આવ્યો. જોકે મને એટલી ઉંમરે પરણી તે જરાય ન ગમ્યું. તારે તો વહેલું ન પરણવાનાં ઘણાં કારણો છે. ઈશ્વર તારો નિશ્ચય કાયમ રાખે. અત્યારે તો તે ખૂબ ભણ. શરીર મજબૂત કર, અને ગીતાજી જે ધર્મ શીખવે તે સમજ અને તે પ્રમાણે આચરણ રાખ.”

આજના લખેલા કાગળાની યાદી, હું પાસે નહોતો એટલે વલ્લભભાઈ પાસે કરાવી. કાગળના કકડામાંથી અર્ધો બાકી રહ્યો તે વલ્લભભાઈ એ કાપ્યો અને બાપુની સામે જોઈને કહે : “ એટલો શા માટે ન બચાવીએ ? ” બાપુ કહે : “મારો લોભ શીખો તો સારું જ તો ! ”

આ વાક્યમાં મીઠું કટાક્ષ હતું, એ વલ્લભભાઈ શેના જાણે ? એનો સંબંધ આજે સાંજે એક વાક્યમાં મને કહી દીધું હતું તેની સાથે હતો : “ મહાદેવ, આ વલ્લભભાઈ માટે નથી. તમને જ સૂચના કરી દઉં કે અહીંં બહારથી જે વસ્તુ આવે તે ઉપર અંકુશ રાખજો હાં. હું જોઈ ગયો છું કે ધીમે ધીમે વધતું જ જાય છે. આ પૈસા આપણા જાય છે, એ ભાન મારા મનમાંથી કદી ખસતું નથી. જે વલ્લભભાઈના આરોગ્યને માટે આવશ્યક હોય એ અવસ્ય મંગાવવું, પણ મર્યાદા સમજી લેવી.”

૭૪