પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

१-४-'३२ આવતી કાલે સત્યાગ્રહ સપ્તાહ શરૂ થાય છે. એટલે પીંજવાનું શરૂ કરવાનું છે. બાપુને પૂછતો હતો કે “ પીંજણની તાંત કેવી છે ? તમારાથી કેટલી વાર તૂટતી હતી ?” બાપુ કહે : “ જતન કરતાં આવડે તો કાંઈ યે ન તૂટે. શંકરલાલ મારી પાસેથી લે કે તૂટે. કાકા મારી પાસેથી લે કે તૂટે. પણ મારી તો દહાડાના દહાડા સુધી ચાલતી. એ તે જતનનું કામ છે. જુઓની આ લંગોટ પહેરુ છું. તે જાળવી જાળવીને પહેર્યા કરું છું. બીજાની પાસે તે હોય તો ક્યારનો ફાટી જાય.” વલ્લભભાઈ કહે : " એ તો પહેરતા જ ન હો, અને ખીટી ઉપર સંભાળીને રાખી મૂકડ્યો હોય એવું લાગે છે.” બાપુ કહે : " એમ જ છે.”

' જતન કરતાં આવડે તો ' એ શબ્દમાં બાપુનું આખું જીવન આવી જાય છે એમ કહી શકાય.. " દાસ કબીર જતન કર ઓઢી, જ્યોંકી ત્યોં ધર દીની ચદરિયાં' એ શબ્દ બાપુને જોઈને ઘણી વાર યાદ આવે છે. ૩૦-૩૫ વર્ષ થયાં શરીરની અને મનની શુદ્ધિનું જાગ્રત જતન એમણે જેવું કર્યું છે તેવું કોણે કર્યું હશે ?

६-४-'३२ આજે સરદારનું વજન ૧૩૬||–એટલે હતું તેટલું ને તેટલું રહ્યું. મારુ ૧ રતલ એાછું એટલે ૧૪૮ અને બાપુનું ૨|| રતલ ઓછું થયું એટલે ૧૦૭. બાપુનું આટલું ઓછું થયું તેનું કારણ બાપુએ એ આપ્યું કે આજે ઉપવાસ હોવાને લીધે પાણી, મધ, રોટી, બદામ ન લેવાયાં અને એનું એટલું વજન બાદ કરવું જોઈએ. મેજરે પણ હા ભણી.

આશ્રમની ટપાલ આ વખતે ઠીક मोટી હતી. બાળકોના કાગળોમાં તેમનાં ઊગતાં, ઊછરતાં મનના સુંદર ચિતાર આવે છે.

દિલ્હીમાં મહાસભા ભરવા વિષે સરદાર ચિંતિત છે. સરદાર કહે છે : " નાહકનાં લોકોનાં મન ડહોળાવાનાં. એ થશે ત્યાં સુધી અનેક કરવાનાં કામ છોડીને બેસવાના. ઢીલા માણसो તો કાંઈક તર્કવિતર્ક કરતા થઈ જવાના અને પ્રચાર કરવાના કે માલવીયાજી મહાસભા ભરે છે એટલે એમાં કંઈક હશે. કેટલાક નાહકના દિ૯હી જતા સુધી બધી વાત મુલતવી રાખવાના. આમાં હું લાભ નહીં પણ હાનિ જોઉં છું. " બાપુ કહે : “ હાનિ તો નથી જ. એ વિચાર સુંદર છે કે જે મહાસભા ૪૭ વર્ષ થયાં અટકી જ નથી તેને ન અટકાવવા દેવી જોઈએ, અને ભરવી જોઈએ. એ કલ્પનામાં જ કંઈક છે. બાકી એમાં થવાનું કશું નથી. એ ભરતાં થોડાં પકડાય. માલવીજી

૭૫