પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

११-३-'३२ સવારે પ્રાર્થના પછી સુવાનો પ્રયત્ન કર્યો, પણ ન જ સુઈ શક્યો. સવારે ચા પીવાની મેં તો હા કહી હતી. વલ્લભભાઈને પૂછયું : “ કેમ, તમે ચા પીવાની બંધ કરી છે ? ” એ કહે : “ અહીં બાપુની સાથે આવીને હવે શું ચા પીવી ? આપણે તો એ જે ખાય તે ખાવું એમ ઠેરાવી દીધું. ચોખા છોડ્ડયા, શાક બાફવાનું ઠરાવ્યું, અને બે વખત દૂધ રોટી ઠરાવી. બાપુ પણ રોટી ખાય છે.” ચા વિના ન ચલાવનારા વલ્લભભાઈના આ નિશ્ચયથી મને પ્રોત્સાહન મળ્યું. મેંયે ચાની ના પાડી અને રોજના ક્રમમાં ભળી ગયો. બાપુને માટે સોડા બનાવવો, ખજૂર સાફ કરવું, દાતણ બનાવવું એ બધું વલ્લભભાઈએ પોતે જ માથે લઈ લીધું હતું. હસતાં હસતાં કહે : "મને કયાં ખબર હતી કે અહીં સાથે રાખવાના છે. ખબર હોત તો કાકાને પૂછી લેત કે બાપુનું શું શું કામ કરવાનું હોય છે ? આ તો બાપુ કશું કહે નહીં એટલે ખબર ન પડે. કપડાં ધોવાનું તો બાપુએ રાખ્યું જ નથી. અંદરથી ધોઈ ને જ નીકળે પછી કરવું શું ? ” એટલે બાપુએ કપડાં ધોવાનું કામ કેટલું સરળ કરી મૂક્યું છે તે સંભળાવ્યું. સંભળાવતાં સંભળાવતાં ખૂબ હસ્યા. કહે કે “ એક દિવસ માત્ર વેંતનો રૂમાલ લઈને જ નાહવાના ઓરડામાં ગયો, નહાઈ રહ્યા પછી જોયું કે ટુવાલ ભૂલી ગયો છું, એટલે પેલા રૂમાલને નિચાવીને એણે શરીર લૂછ્યું. રોજ કપડાં બદલવાનું તો રાખ્યું જ નથી, અને હવે તો આ ટુવાલ વિના પણ ચાલે એમ જોયું. મીરાના વખતમાં ત્રણ રૂમાલ ધોવાતા તેને બદલે હવે એક અને તે એકાંતરે ધોવાય છે. પછી શું ધોવાનું હોય ? ” અને માણસ કામ કરનારા પણ ખરા. મારુતિરાયા બલભીમા તો સવાર સાંજ ચરણ ઉપર માથું ટેકવીને સૂવા જાય. મને પણ એણે ત્રિમૂર્તિમાં ગણ્યો અને મારી આગળ પણ પ્રણામ કર્યા. મેં કહ્યું : “ ભલા માણસ હું તો તારા જેવો રહ્યો.”

સવારે બાપુએ કાગળ મને લખાવ્યો, લખાવતાં લખાવતાં અંદર સુધારા કરતા ગયા. મેજર ૧૦ વાગ્યે આવ્યા. એની સાથે પગ વિષે વાતો થઈ. એને કાંઈ ખબર ન પડેલી લાગી. એણે એન્ટીકલોજિસ્ટીન લગાવવાનું કહ્યું. એન્ટીફ્લોજિસ્ટીનનો રમૂજી ઈતિહાસ એને સંભળાવો એમ બાપુએ કહ્યું. એણે કહ્યું : "હું તો કેટલાંયે ટિન અહીં વેચાતાં મંગાવું છું ! ” મારાં કપડાં વગેરે વિષે કહે : “ તમે “ બી ' છે એટલે મારે તમને ‘ બી’ ગણવા પડશે, કારણ મારી પાસે તમારે વિષે ખાસ હુકમ નથી.” મેં કહ્યું: ‘‘ તમે ઇચ્છશો એમ કરીશ.” એટલે કપડાં આવ્યાં. પણ બધો સામાન જડતીને માટે બહાર રહ્યો.