પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પકડાય તો સરસ વસ્તુ છે.' વલ્લભભાઈ : " પણ માલવીજી છે, એ તો ૨૪ મી એપ્રિલ ફેરવીને એક મહિનો આગળ પણ ધપાવે ! બાકી એથી પકડાય તો સારું ખરું."

ખેડા તરફના કાગળોથી જણાય છે કે ગામડાં આ વખતે પણ ઠીક ઝીંક ઝાલી રહ્યાં છે. અને ખૂબ સહન કરી રહ્યાં છે. બારડોલીને હંમેશાં હૂંફ જોઈએ. બોરસદ કોઈની હુંફ વિના પણ ઝૂઝી શકે છે એમ એણે અતાવી આપ્યું.

७-४-'३२ બાપુને દૂધ છોડ્યે બે માસ થઈ ગયા. તબિયત સારી છે એમ કહે છે. પણ થાક લાગે છે, એમ જણાવે છે. જોકે દૂધને બદલે બદામ સદી કહેવાય ખરી. આજે ત્રણ શેર બદામ અહીંની બેકરીની ભઠ્ઠીમાં ભૂજી નાંખી. છોડાં તો ન ઊખડ્યાં. બાપુની ધારણા પ્રમાણે આફ્રિકામાં મગફળી એવી રીતે ભઠ્ઠીમાં સારી ભૂંજાતી અને છોડાં નીકળી જતાં. ન નીકળ્યાં અને એને પીસવામાં વખત કંઈક વધારે ગયો અને માખણ જેવી સુંવાળી તો ન થઈ પણ શેકાઈ ઉત્તમ. આજે બાપુએ આશ્રમ વિષે લખાવ્યું તેમાં જણાવ્યું છે કે, " ખોફરાકના પ્રયોગો કરતાં હું પશ્ચિમમાંથી શીખ્યો.” કાલે વલ્લભભાઈ હસતાં હસતાં કહે : "પણ પ્રયોગો મરતાં સુધી કર્યા કરવા ? ” બાપુ કહે : “ હા, મારા પ્રયોગો તો ચાલુ જ છે. "

આજે કૅમ્પ જેલમાંથી બહેનોનો કાગળ આવ્યો. એમાં ગંગાબહેન, તારાબહેન, તારાદેવી, જ્યોત્સનાના શુક્લ, અમીના, ચંચળબહેન, વસુમતિ અને ત્રણ મહારાષ્ટ્રીય બહેનોના કાગળો હતા. બધા કાગળો બહેનોના ઊભરાતા પ્રેમના નમૂના હતા. કર્ણાટકની મનોરમાબહેનનો કાગળ તો હૃદયદ્રાવક હતો. “ અમારી કર્ણાટકી બહેનોમાંથી કેટલીકે તો આપનાં દર્શન કદી કર્યા નથી. એમની શ્રદ્ધા અપાર છે. એ છૂટીને પણ કોઈ વાર દર્શન કરી શકશે કે નહીં એ કહી શકાય નહીં, કારણ એ લોકો દૂર ગામડાંમાં રહેનારી છે, એટલે અમને અહી દર્શન આપી જાઓ તો કેવું સારું ?”

એક બહેન લખે છે : " કોઈ વાર આપની સાથે પત્રવ્યવહાર નહીં અને એ પત્રવ્યવહાર જેલમાં કરવાનો અવસર આવે એ મહદભાગ્ય જ ના ! ” પ્યારેલાલનાં વૃદ્ધ માતુશ્રી તારાદેવી પણ આનંદમાં છું એમ લખે છે. અને તુલસી રામાયણ મોકલી આપો એમ જણાવે છે. અને અમીના કહે છે કે મને કશી ચિતા નથી. બાળકોને ભગવાન સંભાળશે. બહેનોના કાગળો વાંચીને શેર લોહી ચઢવા જેવું થયું. આ બહેનો દેશના તંત્રની લગામ ભવિષ્યમાં હાથમાં

૭૬